વિશેષ કોર્ટની નોંધ:રાણા દંપતી સામે રાજદ્રોહનો કેસ બનતો નથી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદા ઓળંગી છે પણ...
  • હનુમાન ચાલીસાના પઠનનો હેતુ હિંસક માર્ગે સરકાર પાડવાનો નહોતો

મુંબઈની વિશેષ અદાલતે કહ્યું છે કે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ બંધારણ હેઠળ મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદા નિઃશંકપણે ઓળંગી છે, પરંતુ અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોની એકમાત્ર અભિવ્યક્તિ એ તેમની સામે રાજદ્રોહનો આરોપ લાદવા માટે પર્યાપ્ત આધાર ન હોઈ શકે.કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની દંપતીની જાહેરાતનો હેતુ “હિંસક માર્ગે સરકારને પાડવાનો નહોતો. તેમનાં નિવેદનો ખામીયુક્ત હોવા છતાં, તેઓ તેને રાજદ્રોહના આરોપ હેઠળ લાવવા માટે પૂરતા નથી.

સ્પેશિયલ કોર્ટના જજ આરએન રોકડેએ બુધવારે લોકપ્રતિનિધિ દંપતીને જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી. આદેશની વિગતવાર નકલ શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય ફોજદારી સંહિતા (આઇપીસી)ની કલમ 124એ (રાજદ્રોહ) હેઠળ આ તબક્કે દંપતી સામે પ્રથમ દ્રષ્ટિએ આરોપ બનતો નથી.મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે દંપતીની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, તેમની યોજના ગુનાના ઉદ્દેશને પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ હકીકતમાં રાજ્ય સરકારને પડકારવા માટેનું મોટું કાવતરું હતું. આ યોજનાનો હેતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા વર્તમાન સરકારને વિખેરી નાખવાની માગણી કરવાનો હતો.

પોલીસે કહ્યું હતું કે, જ્યારે ઉશ્કેરણીજનક નિવેદનોનો ઉપયોગ જાહેર અવ્યવસ્થા અથવા કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખરાબ વલણ અથવા હેતુ ધરાવે છે, ત્યારે રાજદ્રોહની જોગવાઈઓ લાદવામાં આવે છે. જોકે દંપતીનાં ભાષણોની નોંધ લેતા, કોર્ટે અવલોકન કર્યું, કોઈ શંકા નથી કે અરજદારોએ બંધારણ હેઠળ બાંયધરી આપેલી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદાને વટાવી દીધી છે. જોકે માત્ર અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોની અભિવ્યક્તિ આઇપીસીની કલમ 124એ માં સમાવિષ્ટ જોગવાઈઓને સમર્થન કરવા માટે પૂરતું કારણ હોઈ શકે નહીં. અરજદારોનાં નિવેદનો અને પગલાં ખામીયુક્ત હોવા છતાં તેઓ તેમને આઇપીસીની કલમ 124એ હેઠળ લાવવા માટે પૂરતા નથી.

કઈ રીતે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો
મુંબઈ પોલીસે ઠાકરેના ખાનગી નિવાસસ્થાન “માતોશ્રી’ની બહાર ઉપનગરીય બાંદરામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કર્યા પછી રાણા દંપતીની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે દેશદ્રોહ અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સહિત આઇપીસીની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જામીન મળ્યાના એક દિવસ બાદ ગુરુવારે દંપતી જેલમાંથી બહાર આવ્યું હતું. રાણા દંપતીએ તેમની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા માટેના કોલને દુશ્મનાવટ અથવા નફરતની લાગણીઓને પ્રોત્સાહન આપવા માટે કહી શકાય નહીં અને કલમ 153 (એ) હેઠળના આરોપો ટકી શકતા નથી.

તેઓ હથિયાર સાથે આવ્યાં નહોતાં
કોર્ટે અવલોકન કર્યું કે, તે નોંધવું યોગ્ય છે કે ન તો અરજદારોએ કોઈને હથિયાર સાથે બોલાવ્યા કે ન તો તેમના ભાષણથી હિંસા માટે કોઈ ઉશ્કેરણી થઈ. ન્યાયાધીશે કહ્યું, મારા મતે, આ સંદર્ભમાં પ્રથમદષ્ટીએ આઇપીસીની કલમ 124A હેઠળ કેસ બનતો નથી.

અન્ય સમાચારો પણ છે...