દુર્ઘટના:પી-305 બાર્જ દુર્ઘટનામાં હજુ 23 મૃતદેહની ઓળખ બાકી છે

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્રમાં બાર્જ પી-305 ડૂબી જતાં અત્યાર સુધીમાં 70  મૃતદેહ મળ્યા છે. - Divya Bhaskar
અરબી સમુદ્રમાં બાર્જ પી-305 ડૂબી જતાં અત્યાર સુધીમાં 70  મૃતદેહ મળ્યા છે.
  • મૃતદેહો ફૂલી જતાં ડીએનએ નમૂના લઈને ઓળખ સ્થાપિત કરવા પોલીસના પ્રયાસ

મુંબઇ નજીક અરબી સમુન્દ્રમાં તાઉતે ચક્રવાત પસાર થયા દરમિયાન પી -305 બાર્જના 261 ક્રુ સભ્ય અરબી સમુદ્રમાં સપડાઇ ગયા હતા. એ પછી સમુદ્રમાં નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ સહિતની ટીમોએ 6 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.

તોફાની ચક્રવાત ત્રાટકયું એ દરમિયાન અરબી સમુદ્રમાં બાર્જ પી-305 ડૂબી જતાં અત્યાર સુધીમાં 70 મૃતદેહ મળ્યા છે, તેમાંથી 68 મૃતદેહોને મુંબઈ પોલીસને સોંપવામાં આવી છે. 45 મૃતદેહોની ઓળખ કરીને પોલીસે અંતિમસંસ્કાર માટે જેતે સબંધીઓને સોંપી દીધા છે.

પરંતુ હજુ કેટલાક એવા પરિવારો છે કે જેમના સભ્યનો આ ઘટના બાદ હજુ સુધી મૃતદેહ અને તેમના વિશે કોઇ જાણકારી મળી શકી નથી. ડીસીપી ગણેશ શિંદેએ જણાવ્યું હતું કે સમુદ્રના પાણીમાં કલાકો સુધી રહેવાને કારણે બહાર કાઢેલા મૃતદેહો ફૂલી ગયા છે. તેમનાં શરીરનાં નિશાન, કપડાં અને આભૂષણોની મદદથી કેટલાક મૃતદેહોને ઓળખવામાં આવ્યા હતા. ઉપરાંત નહીં ઓળખાયા તેવા મૃતદેહોના ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે, જ્યારે 23 મૃતદેહોની ઓળખ બાકી છે. પી -305ના ક્રુના 70 સભ્યો સિવાય અરબી સમુદ્રના જુદાં જુદાં કાંઠેથી 16 લાશ મળી આવી છે.

નૌકાદળના વેસ્ટર્ન કમાન્ડના પ્રવક્તા કેપ્ટન મેહુલ કર્ણિકે જણાવ્યું હતું કે, અન્ય 8 મૃતદેહો રત્નાગિરિ જિલ્લા બીચ પાસે અને 8 ગુજરાતના વલસાડ બીચ પાસે મળી આવ્યા છે. રત્નાગિરિ જિલ્લાના બીચ પરથી મળી આવેલા 8 મૃતદેહને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. હવે તેમની ઓળખ પણ કરવામાં આવી રહી છે.

મહિના પહેલા કામ શરૂ કરનારનો હજુ પત્તો નથી
દરમિયાન મને મારા પતિ સાથે શોધી આપો એવી વિનંતી પી-305 બાર્જમાં કામ કરતા ઈન્સ્પેકશન એન્જિનિયર સૌરભ જૈનની પત્નીએ કરી છે. બાર્જ ડૂબી ગયા પછી સૌરભનો કોઈ પત્તો નથી. છેલ્લા 8 દિવસથી પરિવાર સૌરભ વિશે માહિતી મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. સૌરભનો પરિવાર અને નૌકાદળ એકબીજા સાથે સતત સંપર્કમાં રહે છે, પરિવારના સભ્યોને પણ અત્યાર સુધીમાં જે લાશ મળી આવી છે તેની ઓળખ માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પરિવારનું કહેવું છે કે આમાંથી કોઈ લાશ સૌરભની નથી. હવે પરિવારે ડીએનએનો સેમ્પલ પણ આપ્યો છે. હાલમાં સૌરભની પત્નીની માગ છે કે આ શોધ અને બચાવકાર્ય બંધ ન કરવામાં આવે. તેમને હજી આશા છે કે તેનો પતિ નિશ્ચિતપણે પાછો આવશે.

ગભરાટ અને મુશ્કેલી વધ્યા
સૌરભના પરિવારમાં પત્ની અને એક 8 વર્ષની દીકરી છે. બાર્જ પરનું આ કામ તેણે લગભગ 1 મહિના પહેલાં શરૂ કર્યું હતું. તેણે એપ્રિલ મહિનામાં બાર્જ પર ઈન્સ્પેકશન એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પરિવારનું કહેવું છે કે તેમને વહીવટી તંત્ર તરફથી કોઈ નક્કર માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં તેમનો ગભરાટ અને મુશ્કેલીઓ બંને વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...