નિર્ણય:મનોરા વિધાનસભ્ય નિવાસના પુનર્વિકાસનો માર્ગ ખુલ્લો થયો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ કંપનીઓએ ટેંડર ભરીને રસ દેખાડતા એકને કોન્ટ્રેક્ટ આપીને કામ શરૂ થશે

મનોરા વિધાનસભ્ય નિવાસ પુનર્વિકાસ પ્રકલ્પ આખરે પાટે ચઢશે. પુનર્વિકાસ બાંધકામના ટેંડરને પ્રતિસાદ મળ્યો છે. ત્રણ કંપનીઓએ રસ દેખાડ્યો છે. એ અનુસાર એકાદ મહિનામાં આ ત્રણ કંપનીઓમાંથી એકને કોન્ટ્રેક્ટ આપીને આગળની પ્રક્રિયા પૂરી કરીને ડિસેમ્બરમાં કામની શરૂઆત કરવાનું નિયોજન સાર્વજનિક બાંધકામ વિભાગે કર્યું છે.

નરિમાન પોઈંટ ખાતે રાજ્યના વિધાનસભ્યોના નિવાસ માટે 1994માં બાંધવામાં આવેલ મનોરા વિધાનસભ્ય નિવાસ 2017 અતિજોખમકારક ઈમારતોની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. ઈમારતનો થોડો ભાગ ધસી પડ્યો હતો. એ પછી મનોરા ઈમારતનો પુનર્વિકાસ કરવાનો નિર્ણય લઈને આ ઈમારત જમીનદોસ્ત કરવામાં આવી હતી. 2021માં નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન તરફથી પુનર્વિકાસનું કામ લેતા સાર્વજનિક બાંધકામ વિભાગને સોંપવામાં આવ્યું.

એ અનુસાર હવે આ પ્રકલ્પ પાટે ચઢાવવા માટે થોડા મહિના પહેલાં ટેંડર મગાવવામાં આવ્યા હતા. 18 ઓગસ્ટના આ ટેંડર ખોલવામાં આવ્યા પણ એને પ્રતિસાદ મળ્યો નહોતો. ફક્ત એક જ ટેંડર રજૂ થયું હતું. રૂ. 900 કરોડના ટેંડરને પ્રતિસાદ ન મળવાથી ફરીથી ટેંડર કાઢવાનો સમય આવ્યો હતો. નવેસરથી કાઢેલા ટેંડરની મુદત તાજેતરમાં પૂરી થઈ હતી અને એને સારો પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી સાર્વજનિક બાંધકામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. અપર મુખ્ય સચિવ મનોજ સૌનિકે આ વાતની પુષ્ટિ કરી હતી. ત્રણ કંપનીઓએ ટેંડર રજૂ કર્યા હતા. એકાદ મહિનામાં ટેંડર ફાઈનલ કરીને કોન્ટ્રેક્ટરની નિયુક્તી થશે અને ડિસેમ્બરમાં કામની શરૂઆત થશે એમ આ અધિકારીએ ઉમેર્યું હતું.

આવો છે પ્રકલ્પ
તોડી પાડવામાં આવેલી 14 માળાની ઈમારતની જગ્યા પર બે નવી ઈમારત બાંધવામાં આવશે. એક 25 માળાની અને બીજી 40 માળાની ઈમારત હશે. એનો અંદાજે ખર્ચ રૂ. 900 કરોડ થશે. બંને ઈમારતોમાં મળીને 1000 સ્કવેર ફૂટના 600થી વધારે રૂમ હશે. આ ઈમારતમાં તમામ ફાઈવસ્ટાર સુવિધાઓ હશે.

અન્ય સમાચારો પણ છે...