લોકલમાં દિવ્યાંગ ડબ્બામાં પ્રવાસ કરવાની અન્ય પ્રવાસીઓને મનાઈ છે છતાં કેટલાક સામાન્ય પ્રવાસીઓ આ ડબ્બામાં ઘુસણખોરી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા મધ્ય રેલવે સુરક્ષા દળે વોટ્સએપની મદદ લીધી છે. દિવ્યાંગ પ્રવાસીઓ અને રેલવે સુરક્ષા દળના કર્મચારીઓનું એક વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રુપના માધ્યમથી જાન્યુઆરીથી જુલાઈ 2021ના સમયગાળામાં દિવ્યાંગ ડબ્બામાં ઘુસણખોરી કરનારા 262 સામાન્ય પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
લોકલમાં દિવ્યાંગ માટેના ડબ્બામાં અન્ય પ્રવાસીઓ પ્રવાસ કરતા હોવાથી તેમની સાથે વિવાદ થાય છે. એમાંથી માર્ગ કાઢવા માટે દિવ્યાંગ પ્રવાસીઓ અને મધ્ય રેલવે સુરક્ષા દળના કર્મચારીઓનું વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. દિવ્યાંગ ડબ્બામાં ઘુસણખોરી કરનારના ફોટા, સ્ટેશનનું નામ વગેરે માહિતી આ ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવે પછી રેલવે સુરક્ષા કર્મચારીઓ સંબંધિત સ્ટેશનના સુરક્ષા દળ કર્મચારીઓ મારફત સંપર્ક સાધે છે અને કાર્યવાહી ઝડપી બને છે. સંબંધિત સામાન્ય પ્રવાસી પર દંડની કાર્યવાહી કરવામાં આવે છે.
આ વોટ્સએપ ગ્રુપમાં 204 દિવ્યાંગ પ્રવાસીઓ સભ્ય છે. આ ગ્રુપ 2020માં તૈયાર કરવામાં આવ્યું હતું. પણ કોરોનાને લીધે લોકલ બંધ થઈ તેમ જ અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ લોકલમાં પ્રવાસની છૂટ હોવાથી કાર્યવાહી ઠંડી પડી હતી. પણ ધીમે ધીમે વધેલી પ્રવાસી સંખ્યાથી જાન્યુઆરી 2021માં ફરીથી કાર્યવાહી ઝડપી બની.
છેલ્લા સાત મહિનામાં 262 ધુસણખોર પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી લગભગ રૂ. 48,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઘાટકોપર, કુર્લા, દાદર, મુલુંડ અને ડોંબીવલીમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવ્યાની માહિતી મધ્ય રેલવે સુરક્ષા દળના વરિષ્ઠ વિભાગીય સુરક્ષા આયુક્ત જિતેન્દ્ર શ્રીવાસ્તવે આપી હતી.
મહિલા પ્રવાસીઓનું પણ વોટ્સએપ ગ્રુપ
મધ્ય રેલવે સુરક્ષા દળે લોકલમાં નિયમિત પ્રવાસ કરતી અને પ્રવાસી સંગઠનોમાં તથા સામાજિક કાર્યમાં સહભાગી મહિલા પ્રવાસીઓનું 22 ડિસેમ્બર 2020ના સ્માર્ટ સહેલી નામથી વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું હતું. આ ગ્રુપમાં 7801 મહિલા પ્રવાસીઓ સભ્ય છે. આ ગ્રુપ તૈયાર કર્યા પછી શરૂઆતમાં કોરોનાને લીધે કાર્યવાહી ઠંડી પડી હતી. હવે ઝડપી બની છે. છેલ્લા સાત મહિનામાં લોકલમાં લેડીઝ ડબ્બાઓમાં ઘુસણખોરી કરનારા 214 પુરુષ પ્રવાસીઓ પર કાર્યવાહી કરીને રૂ. 80,600 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.