વિવાદ:તિજોરી ‘સાફ’ અને મંત્રીઓ સહિત 54 અધિકારી ચાલ્યા દુબઈ પ્રવાસે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં રાજ્યની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. તેમાં ચોમાસામાં પૂરને લીધે થયેલા બેસુમાર, એસટી કર્મચારીઓની વિવિધ માગણીઓ સાથે ચાલી રહેલી અવિરત હડતાળ વગેરે માટે સરકાર પાસે પૈસા નથી. આ બહાનું કરીને પેટ્રોલ- ડીઝલ પરનો કર ઓછો કરવામાં આવતો નથી, જ્યારે બીજી બાજુ કમસેકમ અડધો ડઝન મંત્રી સહિત 54 અધિકારી દુબઈના પ્રવાસે નીકળી રહ્યા છે.

ઉદ્યોગ, પર્યટન, કૃષિ વિકાસ, તબીબી શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ ખાતાના 54 અધિકારીઓની યાદી આ માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં આ વિભાગના સચિવ, તેમના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ જ રીતે અમુક ખાતાંના મંત્રીઓ પણ જવા માટે ઉત્સુક છે. દરમિયાન 54 જણની યાદી મંજૂરીની રાહ જોઈ રહી છે. ભંડોળ મંજૂર કરવા માટે મુખ્ય મંત્રી કાર્યાલય, મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરવામાં આવી છે.દુબઈમાં ચાલી રહેલા પ્રદર્શનની તેઓ મુલાકાત લેવા માગે છે. ત્યાં વિવિધ વિભાગના સ્ટોલ્સ લગાવવાની વોચિર છે. ઉપરાંત અન્ય કારણો આપીને સરકારી પૈસે આ વિદેશ પ્રવાસ થવાનો છે, જેને માટે દેખીતી રીતે જ લાખ્ખો રૂપિયાનો ખર્ચ થવાનો છે.

બે વર્ષથી વિદેશ પ્રવાસ બંધ હતો
કોવિડને કારણે છેલ્લાં બે વર્ષથી વિદેશ પ્રવાસ બંધ હતો. આથી હવે તેની કસર ભરી કાઢવામાં આવી રહી છે કે કેમ એવી ચર્ચા છે. છેલ્લા થોડા દિવસોથી એસટી મહામંડળ રાજ્ય સરકારમાં વિલીન કરવા માટે કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. વિલીનીકરણને કારણે રાજ્યની તિજોરી પર મોટો આર્થિક બોજ આવવાનો ડર છે. બીજી બાજુ પેટ્રોલ- ડીઝલના ભાવો ઓછા કરવા માટે કર ઓછો કરવા પર રાજ્યની આવક પર ફટકો પડી શકે છે, જેને કારણે વિકાસકામો પર અસર થઈ શકે છે એવો દાવો કરવામાં આવે છે.

આવા સંજોગોમાં દુબઈ પ્રવાસ કઈ રીતે સૂઝ્યો છે એવું પૂછવામાં આવી રહ્યું છે.કેન્દ્ર સરકાર પાસે જીએસટીના કરોડો રૂપિયા અટવાઈ પડ્યા છે. છેલ્લાં દોઢ વર્ષથી કોરોનાને લીધે રાજ્યના ખર્ચમાં અનેકગણો વધારો થયો છે, જ્યારે આવક ઓછી થઈ છે. આને કારણે રાજ્યમાં અનેક કામો પર અંકુશ આવ્યો છે. આવી પરિસ્થિતિમાં આ દુબઈ પ્રવાસ કઈ રીતે સૂઝ્યો એવું પૂછવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...