તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરનું જોખમ:ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના 8 લાખ એકટિવ દર્દીઓ જેમાં 10 ટકા બાળકો હોઈ શકે એવો ઈશારો રાજ્યના આરોગ્ય વિભાગે આપ્યો

ગિરદી વધે અને નિયમ પાળવામાં ન આવે તો એક-બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં આવવાનો ડર ટાસ્ક ફોર્સે વ્યક્ત કર્યો હતો. એની ગંભીર નોંધ લેતા સંભવિત ત્રીજી લહેરનું જોખમ ધ્યાનમાં રાખીને અત્યારથી જ જરૂરી દવાઓ, મેડિકલ સાધનો શહેર અને ગ્રામીણ ભાગોમાં ઉપલબ્ધતા અને પૂરતો સ્ટોક રહે એની તકેદારી રાખવાની સૂચના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોગ્ય વિભાગને આપી હતી. સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓનો કયાસ કાઢવા માટે થયેલી બેઠકમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે એવી માહિતી અધિકારીઓએ મુખ્યમંત્રીને આપી હતી.

બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયેન્ટને લીધે દર્દીઓની સંખ્યા પહેલાં કરતા વધારે છે. તેથી ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. કોરોનાની પહેલી લહેરમાં રાજ્યમાં લગભગ 19 લાખ અને બીજી લહેરમાં લગભગ 40 લાખ દર્દીઓની નોંધ થઈ. ત્રીજી લહેરમાં 8 લાખ એકટિવ દર્દીઓ હોઈ શકે છે જેમાં 10 ટકા બાળકો પણ હોઈ શકે એમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું. રાજ્યમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે છતાં સંભવિત ત્રીજી લહેરનું જોખમ નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે. આ પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રીએ રાજ્યની ટાસ્કફોર્સના નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી.

દેશમાં આવેલી કોરોનાની બીજી લહેરનો સૌથી વધુ ફટકો મહારાષ્ટ્રને પડ્યો છે. બેઠકમાં આરોગ્ય વિભાગે કરેલી રજૂઆતમાં સંક્રમણની નવી લહેર મહારાષ્ટ્રમાં આવવાની શક્યતા હોવાથી એની સંભવિત પરિસ્થિતિની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેરને મર્યાદિત કેવી રીતે રાખવી એ આપણા હાથમાં છે. આપણે ગિરદીના ઠેકાણે જવાનું ટાળવું જોઈએ અને બે માસ્કનો ઉપયોગ કરવા જોઈએ. જો આપણે આ બાબત પર દુર્લક્ષ કર્યું તો ત્રીજી લહેર મોટી થશે એમ ટાસ્કફોર્સના સભ્ય ડોકટર રાહુલ પંડિતે જણાવ્યું હતું.

મુંબઈમાં 666 નવા કેસ, 20નાં મોત : દરમિયાન ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 666 નવા કેસ દાખલ થયા હતા, જ્યારે 741 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 20 દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જે સાથ મુંબઈમાં મરણાંક 15,247 પર પહોંચ્યો છે, જે સૌથી વધુ છે. મૃતકમાં 13 દર્દીને સહ-માંદગી હતી, 10 પુરુષ અને 10 મહિલા હતી. ચાર દર્દી 40થી ઓછી ઉંમરના 7 દર્દી 40-60 વયવર્ષના હતા અને 9 દર્દી 60થી વધુ વર્ષના હતા.

ત્રીજી લહેર રોકવા કઠોર યોજનાની સૂચના
આ સમયે મુખ્યમંત્રીએ રસીકરણ વધારવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. મહામારીની પહેલી લહેર મહારાષ્ટ્રમાં આવી ત્યારે રાજ્યમાં કોઈ મૂળભૂત સુવિધાઓ નહોતી. પણ એ પછીના સમયમાં એમાં વધારો થયો. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી કોવિડ-19ની રસીના 42 કરોડ ડોઝ દેશને મળશે અને એનો ફાયદો મહારાષ્ટ્રને પણ થશે એના પર તેમણે ધ્યાન ખેંચ્યું હતું. ત્રીજી લહેરની જોખમ ટાળવા રાજ્યમાં સેરો સર્વેક્ષણ કરવું, મોટા પ્રમાણમાં રસીકરણ પર ભાર મૂકવો, પ્રતિબંધોનું ચુસ્તતાથી પાલન કરવું જરૂરી છે.

ઈંગ્લેન્ડ સહિત અન્ય કેટલાક દેશોમાં ફરીથી વાઈરસનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પ્રતિબંધ મૂકવાનો સમય આવ્યો છે એના પર ટાસ્કફોર્સે મુખ્યમંત્રીનું ધ્યાન ખેંચ્યું હતુ. આ સંભવિત ત્રીજી લહેર રોકવા માટે કઠોર ઉપાયયોજનાઓ કરવાની સૂચના મુખ્યમંત્રીએ આપી હતી.

મુંબઈનો રિકવરી રેટ હવે 95 ટકા
દરમિયાન મુંબઈ જિલ્લાનો રિકવરી રેટ હવે 95 ટકા થયો છે. 10 જૂનથી 16 જૂન દરમિયાન કોવિડ કેસમાં એકંદર વૃદ્ધિ રેટ 0.09 ટકા થયો છે, જ્યારે દર્દીઓ બેગણા થવાનો દર 734 દિવસ થયો છે. મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓમાં હવે ફક્ત 18 કન્ટેનમેન્ટ ઝોન છે, જ્યારે 81 ઈમારતો સીલ છે, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...