તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કુર્લાની શાળાનો વિદ્યાર્થી જાપાનીઝ પણ જાણે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્મેશ ઑનલાઇન શીખે છે વિવિધ સોફ્ટવેર, ગુજરાતી - અંગ્રેજી ભાષાની જાણકારી

એકંદરે એવી માન્યતા જોવા મળે છે કે ગુજરાતી શાળાનાં બાળકોનું અંગ્રેજી નબળું હોય છે, પરંતુ આ તમામ માન્યતાઓને સદંતર ખોટી પુરવાર કરતો એક ગજબનો કિસ્સો કુર્લાની ગુજરાતી શાળામાંથી સામે આવ્યો છે. આ શાળાનો એક વિદ્યાર્થી અંગ્રેજી સહિત જાપાનીઝ પણ જાણે છે. આ વાત છે ધર્મેશ ભીતોડાની જે હાલ કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.

દસમા ધોરણમાં ભણતો ધર્મેશ ફાંકડું અંગ્રેજી તો બોલી જ શકે છે અને સાથે સાથે જાપાનીઝ પણ જાણે છે. જોકે આ વિદ્યાર્થીએ કોઈ દિવસ આ વિદેશી ભાષા શીખવા માટે કલાસીસ કર્યા નથી. તે જાતે જ ઇન્ટરનેટના માધ્યમથી શીખ્યો છે. ઉપરાંત અમુક સ્પેનિશ ગીતો પણ તે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાય છે. તે જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારથી જ તે વિવિધ સ્ટોરી ગેમ રમતો હતો અને અંગ્રેજી શો જોતો હતો. આમ તે નાનપણથી સારું અંગ્રેજી શીખી ગયો.

ધર્મેશને જાપાનીઝ કાર્ટૂન જોવાં ખૂબ ગમે છે. શરૂઆતમાં તે ઇંગ્લિશમાં ડબ કરેલા જાપાનીઝ કાર્ટૂન જોવા લાગ્યો અને ત્યાર બાદ ધીમે-ધીમે જાપાનીઝમાં ઇંગ્લિશ સબ-ટાઇટલ સાથે તેણે આ કાર્ટૂન જોવાની શરૂઆત કરી દીધી. આ જ ક્રમમાં તે જાપાનીઝ શીખતો ગયો અને હવે એમાં હજી પાવરધા થવા માટે તે યુટ્યુબના માધ્યમથી આગળ જાપાનીઝ શીખી રહ્યો છે.

ઘરમાંથી મળ્યું પ્રોત્સાહન
ધર્મેશે જણાવ્યું કે “મને મારા ઘરમાંથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે.” ધર્મેશ પોતાના આ કાર્ટૂનના શોખને જ કારકિર્દીમાં બદલવા માગે છે. તે 2D ઍનિમેશનમાં પોતાનું ભાવિ ઘડવા અત્યારથી જ મથી રહ્યો છે. ઈલસ્ટટ્રેટર, ફોટોશૉપ અને ક્લિપ સ્ટુડિયો પેઇન્ટ જેવા સોફ્ટવેર ઘરેબેઠાં ઑનલાઇન શીખે છે.

ઉલ્લેખનીય છે કે ધર્મેશે તેના ભાઈ સાથે મળી યુટ્યુબ ચૅનલ પણ બનાવી હતી અને એમાં 3 ગીતના રીમેક પણ બનાવ્યા હતા. જોકે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવા માટે તેણે હાલ આ યુટ્યુબનો પ્લાન મોકૂફ રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...