ભાસ્કર વિશેષ:રાજ્યની પહેલી ઈલેકટ્રીક એસટી બસ 1 જૂનથી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુણે અને અહમદનગર રૂટથી શરૂઆત કરવાનું નિયોજન મહામંડળે કર્યું છે

મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન મહામંડળની 1 જૂનના થનારી સ્થાપના દિનની ઉજવણી નિમિતે રાજ્યના તમામ પ્રવાસીઓ માટે ખુશખબર છે. રાજ્યની પહેલી એસટી બસ પુણે-અહમદનગર રૂટ પર દોડી હતી. હવે આ જ રૂટ પર પ્રથમ ઈલેકટ્રીક બસ શિવાઈ ચલાવવાનું નિયોજન મહામંડળે કર્યું છે. એસટી બસની અછત પૂરી કરવા માટે ચાલુ વર્ષના અંતમાં 3 હજાર પર્યાવરણ પૂરક બસ મહામંડળમાં દાખલ થશે.રજાઓના દિવસ હોવાથી પ્રવાસી બસ માટે ઘણી માગ છે. અત્યારે કર્મચારીઓ છે, પ્રવાસીઓ છે પણ બસ નથી.

એસટી બસની અછતના કારણે ગ્રામીણ ભાગમાં ફેરીઓ પૂર્ણપણે શરૂ થઈ નથી. એનો કયાસ કાઢવા પરિવહન મંત્રી અનિલ પરબે મહામંડળના તમામ વિભાગ નિયંત્રકોની બેઠક બોલાવી હતી. આ સમયે ઉપાધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક શેખર ચન્ને ઉપસ્થિત હતા. ઉનાળાના વેકેશનમાં ગામ જનારા સામાન્ય પ્રવાસીઓ માટે પરિવહનનું નિયોજન તરત કરવાની સૂચના પરબે અધિકારીઓને આપી હતી. દેશની સાર્વજનિક પ્રવાસી પરિવહનમાં પર્યાવરણ પૂરક વાહન તરીકે ઈલેકટ્રીક બસનો વધુમાં વધુ સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકારે ફેમ યોજના શરૂ કરી છે.

આ યોજના અનુસાર ઈલેકટ્રીક બસ માટે કેન્દ્ર તરફથી સવલત આપવામાં આવે છે. ફેમ અંતર્ગત એસટી મહામંડળના કાફલામાં 1 હજાર ઈલેકટ્રીક બસ અને 2 હજાર સીએનજી બસ દાખલ થશે. એમાંથી 150 ઈલેકટ્રીક બસનો પ્રથમ કાફલો જૂનમાં આવશે અને એ પછી વર્ષના અંતમાં કુલ 1 હજાર બસ દાખલ થશે.

યાત્રીઓની માગ અનુસાર બસ ઉપલબ્ધ થશે
શહેર ભાગમાં સીએનજી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેથી મુંબઈ-પુણે-નાશિક અને બીજા આંતરશહેર રૂટ પર સીએનજી બસ શરૂ કરવામાં આવશે. ગ્રામીણ ભાગોમાં ડીઝલ પર ચાલતી બસ ચાલુ રહેશે. નવી બસ દાખલ થવાથી મહામંડળમાં બસની અછત દૂર થશે અને પ્રવાસીઓની માગ અનુસાર બસ ઉપલબ્ધ થશે એવી માહિતી એસટીના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...