નાગપુરના વર્ધા જિલ્લાની એક ખાનગી હોસ્પિટલના સંકુલમાંથી ગર્ભમાંના શિશુની ૧૧ ખોપરી અને ૫૪ હાડકાંઓ મળી આવતાં ખળભળાટ મચી ગયોછે. સ્થાનિક પોલીસ દ્વારા અનધિકૃત ગર્ભપાતના એક કેસની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આ મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેને કારણે પોલીસની તપાસની દિશા બદલાઈ ગઈ છે, એમ એક ઉચ્ચ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
પોલીસને વિશ્વસનીય માહિતી મળી હતી કે આર્વી તાલુકામાં સ્થિત કદમ હોસ્પિટલના સંકુલમાં બાયોગેસ પ્લાન્ટમાં કોઈક ગડબડ છે. આથી પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ૧૧ ખોપરી અને ૫૪ હાડકાં મળી આવ્યાં હતાં, જે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. આ ખોપરી અને હાડકાં અધિકૃત રીતે કે અનધિકૃત રીતે નિકાલ કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે. અગાઉ પોલીસે ૧૩ વર્ષની છોકરીનો અનધિકૃત રીતે ગર્ભપાત કરવા માટે હોસ્પિટલની ડોક્ટર રેખા કદમ અને નર્સની ધરપરડ કરી હતી, એમ આર્વી પોલીસ સ્ટેશનના પીઆઈ ભાનુદાસ પિદુરકરે જણાવ્યું હતું.
ફરિયાદને આધારે પોલીસે ૯ જાન્યુઆરીના રોજ ડોક્ટર અને નર્સની ધરપકડ કરી હતી અને છોકરીનો જેની સાથે શારીરિક સંબંધ બંધાયો હતો અને જેનાથી તે ગર્ભવતી બની હતી તે સગીર બાળકના માતા- પિતાને પણ અટકાયતમાં લેવાયાછેયછોકરાનાં માતા- પિતાએ છોકરીનાં માતા- પિતાને ધમકી આપી હતી કે જો તેમની છોકરીનો ગર્ભપાત નહીં કરાવશે તો તેની બદનામી કરવામાં આવશે. ઉપરાંત ગયા સપ્તાહમાં છોકરીનાં માતા- પિતાને ગર્ભપાત માટે પૈસા પણ આપ્યા હતા, એમ તપાસમાં બહાર આવ્યું હતું.
છોકરી 18 વર્ષથી ઓછી ઉંમરની
આ અંગે માહિતી મળતાં અનધિકૃત રીતે ગર્ભપાત કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે પછી ભારતીય ફોજદારી સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોવા છતાં તેનો ગર્ભપાત કરવા વિશે ડોક્ટરે પોલીસની જાણ કરી નહોતી.
ડોક્ટરનાં સાસુ- સસરા પાસે લાઈસન્સ
વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે આરોપી ડોક્ટરનાં સાસુ- સસરા ફિઝિશિયન છે અને તેમની પાસે ગર્ભપાત કરવાનું લાઈસન્સ છે. હવે બાયોગેસ પ્લાન્ટમાંથી મળેલાં ખોપરી અને હાડકાં કાનૂની રીતે કે ગેરકાનૂની રીતે નિકાલ કરવામાં આવ્યાં હતાં તે અંગે તપાસ ચાલી રહી છે. ડો. કદમે હજુ સુધી આ સંબંધમાં કોઈ દસ્તાવેજો રજૂ કર્યા નથી, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.