મુંબઈ સેશન્સ કોર્ટે રાજદ્રોહના આરોપમાં જેલમાં બંઘ રહેલા રાણા દંપતીને મોટો ફટકો આપ્યો છે. સેશન્સ કોર્ટે રાણા દંપતીને કોઈ રાહત આપી નથી. તેમની કસ્ટડી બુધવાર 4 મે સુધી લંબાવવામાં આવી છે. શનિવારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. દરમિયાન ધારાસભ્ય રવિ રાણા વિરુદ્ધ 17 અને સાંસદ નવનીત રાણા વિરુદ્ધ 6 કેસ નોંધાયા હોવાની દલીલ સરકારી વકીલે કરી જામીનનો વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે હાલમાં રાજ્યમાં લાઉડસ્પીકર, હિંદુત્વ અને હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેવી જ રીતે અમરાવતીનાં સાંસદ નવનીત રાણાએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે.
આ પછી રાજ્યભરમાં શિવસૈનિકો ગુસ્સે ભરાયા હતા. રાણા દંપતી મુંબઈમાં તેમના ખારના ઘરે પહોંચતાં જ શિવસૈનિકોએ રાણા દંપતી વિરુદ્ધ માતોશ્રીની બહાર ધરણા કર્યા હતા. ઉપરાંત ખારમાં રાણાના ઘરની બહાર દેખાવો કર્યા હતા. બે દિવસ સુધી શિવસૈનિકોએ માતોશ્રીની બહાર રાણા દંપતી સામે ધરણાં કર્યા હતા.
ત્રણ દિવસ સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ રાણા દંપતીએ એક વિડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે તેઓ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા નહીં જાય, કારણ કે વડા પ્રધાન એક કાર્યક્રમ માટે મુંબઈ આવી રહ્યા છે, પરંતુ ત્યાર બાદ રાણા દંપતીની મુસીબતો વધી. પોલીસે રાણા દંપતીની ધરપકડ કરી હતી. રવિવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં.
કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી અને સ્પષ્ટતા કરી હતી કે સુનાવણી 29 એપ્રિલે હાથ ધરવામાં આવશે. ત્યારથી રાણા દંપતીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. નવનીત રાણા ભાયખલા જેલમાં બંધ છે, જ્યારે રવિ રાણા તલોજા જેલમાં છે.
રાણા દંપતી મુંબઈ સેશન્સ કોર્ટમાં દોડી ગયા હતા. જામીનની સુનાવણી 30 એપ્રિલે હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને સોમવારે ચુકાદો જાહેર કરવાની હતી, પરંતુ તે લંબાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.