આરપીએફ કોન્સ્ટેબલે જીવ બચાવી લીધો:ચાલતી ટ્રેનમાંથી ઊતરવા જતાં ગર્ભવતી નીચે પડી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી ઊતરવા જતાં એક ગર્ભવતી મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી હતી. તેને પડતી જોઈને હાજર રેલવે સુરક્ષા બળ (આરપીએફ)ના કોન્સ્ટેબલે તુરંત છલાંગ લગાવી અને મહિલાને પાટા પર પડતી બચાવી લીધી હતી. મહિલાનો જીવ બચાવવાની આ ઘટના પ્લેટફોર્મ પરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડિયો વાઈરલ થયો હતો.

કલ્યાણ આરપીએફ અનુસાર આ ઘટના સોમવારે બપોરે બની હતી. ચંદ્રેશ નામે પ્રવાસી પોતાના બાળક અને આઠ મહિનાની ગર્ભવતી પત્ની સાથે ખોટી ટ્રેનમાં ચઢી ગયાં હતાં. તેમને ટ્રેન નં. 02103 ગોરખપુર એક્સપ્રેસમાં જવાનું હતું. ટ્રેન શરૂ થયા પછી તેમને ભૂલ સમજાઈ અને ઉતાવળમાં ટ્રેનમાંથી ઊતરવાના ચક્કરમાં આ ઘટના બની હતી. ચંદ્રેશ સૌથી પહેલા પોતાના પુત્રની સાથે નીચે ઊતરી ગયો હતો અને પછી તેની ગર્ભવતી પત્નીએ ઊતરવાનો પ્રયાસ કર્યો અને લથડિયા ખાઈને પ્લેટફોર્મના ગેપમાં પડી ગઈ હતી.

આ દરમિયાન ત્યાં ફરજ પર હાજર આરપીએફનો જવાન એસ આર ખાંડેકરે તુરંત પગલાં લેતાં મહિલાને પકડીને પોતાની તરફ ખેંચી લીધી હતી.સદનસીબે ગર્ભવતીને નજીવી ઈજા પહોંચી હતી અને તેના પેટનું બાળક સુરક્ષિત છે. આ ઘટના પછી સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ ટ્વીટ કર્યું અને પ્રવાસીઓને ચાલતી ટ્રેનમાંથી ચઢવા - ઊતરવાનું જોખમ નહીં લેવા માટે અનરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...