• Home
  • Local
  • Mumbai
  • The plight of patients who could not get a bed in the face of increasing cases in Ghatkopar

કોરોનાવાઈરસ / ઘાટકોપરમાં વધતા કેસ સામે બેડ નહીં મળતાં દર્દીઓની કફોડી હાલત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • પોઝિટિવ છતાં અનેક દર્દીઓને બેડ નહીં મળતાં મોત થાય છે
  • 15 ઝૂંપડપટ્ટી વિસ્તાર અને 153 ઈમારતો સીલઃ કુલ 43 મોત

જયેશ શાહ

May 24, 2020, 05:57 AM IST

મુંબઈ. ઈશાન મુંબઇમાં ગુજરાતીઓ-કચ્છી અને મારવાડી સમાજના સમૃદ્ધ નાગરિકોનું વર્ચસ ધરાવતા અને ચાલીઓ- ઝૂંપડપટ્ટીઓ પણ મોટી સંખ્યામાં આવેલી છે એવા ઘાટકોપરના એન વોર્ડમાં કોરોના મહામારીએ ભયંકર ભરડો લીધો છે. આ વોર્ડમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે તમામ તબીબી સવલતો સ્થાનિક નાગરિકો માટે ઓછી પડી રહી છે. દવાખાનામાં સારવાર માટે બેડ નહીં મળવાને કારણે દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. આમ છતાં પ્રશાસન સજ્જડ વ્યવસ્થા કરવામાં સંદત્તર નિષ્ફળ નિવડ્યું હોવાનો આક્ષેપ અને ગુસ્સો સ્થાનિક નાગરિકો સોશિયલ મિડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે.
ઘાટકોપરના તમામ વિસ્તારો આ મહામારીની લપેટમાં
શનિવારે કોરોના નવા 67 કેસ આવતાં કુલ 1012 કેસ થયા છે, જયારે કોરોનાના કારણે હમણાં સુધી કુલ 43 જણનાં મોત થયાં છે. છેલ્લા 8 દિવસમાં 553 કેસ સાથે કુલ 15 સ્લમ ઝૂંપડપટ્ટીને કન્ટેઇનમેન્ટ ઝોન અને 153 ઈમારતને સીલ કરવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે ઘાટકોપરના તમામ વિસ્તારો આ મહામારીની લપેટમાં આવી ગયા છે. દર્દીઓ માટે બેડ ખાલી નથી : ઘાટકોપર-ઈસ્ટમાં રહેતા એક જૈન પરિવારના 56 વર્ષના પુરુષને બે દિવસથી તેમને એન્જિયોગ્રાફી કરવાની હતી. તે માટે તેમને કોરોના રોગનું પરીક્ષણ કરાવ્યું અને તેઓ પોઝિટિવ જાહેર થવા છતાં તેમને સારવાર માટે બેડ મળતો નથી. અન્ય એક કેસમાં પણ એક જણ કોરોનાગ્રસ્ત છે અને તેના પરિવારના બે સભ્યોને પણ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા પછી તેઓને બેડ મળ્યા નથી. આવા અનેક દર્દીઓના પરિવારજનોની વ્યથા વર્ણવતાં ફોન સતત ચાલુ છે, અમે અમારાથી બનતી સહાય કરવા અમારી ટીમ કાર્ય કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
સ્થાનિક ધારાસભ્ય શું કહે છે
ઘાટકોપર- ઈસ્ટના ધારાસભ્ય પરાગ શાહે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મુંબઈ સાથે ઘાટકોપરમાં પણ કોવિડ-19ના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવારે ભાજપ તરફથી મુંબઈ ક્વોરન્ટાઈન સેન્ટરના ઈનચાર્જ તરીકે મારી નિમણૂક થઇ છે અને હું મુંબઇના તમામ જનપ્રતિનિધિઓ સાથે સમન્વય સાધીને શહેરને તાત્કાલિક 20,000 બેડની નવી વ્યવસ્થા થાય તે માટે પ્રયાસ કરીશ. આગામી  દિવસોમાં શહેરમાં હાલના સંજોગો જોતાં 25,000થી વધુ બેડની તુરંત જરૂરિયાતને પહોંચી વળવા અમે એનજીઓના માધ્યમથી 15 દિવસમાં શહેરમાં  ઠેર ઠેર ક્વોરન્ટાઇન સેન્ટરો શરૂ કરીશું. ઘાટકોપરમાં હાલમાં એક ક્વોરન્ટાઇન સેન્ટર કાર્યરત છે અને નવા 100 બેડના બે સેન્ટર ઊભા કરી રહ્યા છીએ. અમે હોસ્પિટલો સાથે વાતચીત કરીને જે કોરોનાગ્રસ્ત દર્દીને ફરજિયાત 4 દિવસની ડોકટરની દેખરેખ નીચેની સારવાર પૂરી થઇ ગઇ હોય અને તેઓને આઇસીયુ કે વેન્ટિલેટરની જરૂરિયાત ન હોય તેવા દર્દીઓને કવોરન્ટાઇન સેન્ટરમાં ફેરવી ગંભીર દર્દીઓને એ બેડમાં દાખલ કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ. ઘાટકોપરની હાલની પરિસ્થિતિ ખરાબ છે અને તબીબી સારવાર માટે દરેકને બેડ અને એમ્બ્યુલન્સ મળી શકતી નથી એ હકીકત છે. મહાપાલિકા વોર્ડ પ્રશાસન ઘાટકોપરમાં કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે.
ચેમ્બુરમાં ડોક્ટરનું મોત
દરમિયાન ચેમ્બુરમાં ચેમ્બુરમાં એક ડોક્ટરને 5 કલાક સુધી એમ્બ્યુલન્સ અને બેડ નહીં મળતાં મોત થયું હતું. તેમની પત્નીએ પછી જણાવ્યું કે બેડ ઓછા પડી રહ્યા છે એવું સાંભળ્યું હતું, પરંતુ પ્રત્યક્ષ અનુભવ થયા પછી આ વાસ્તવિક હોવાનું જણાયું છે. રમાબાઈ આંબેડનગર કોલોની આનંદવિકાસ ચાલમાં 57 વર્ષીય કોરોના દર્દીને પણ 10 કલાક સુધી બેડ નહીં મળતાં મોત થયું હતું. 
કચ્છી મહિલાનું મોત 
અન્ય એક કેસમાં 55 વર્ષની કચ્છી મહિલાને શ્વાસની તફલીક હતી. તેનું ઓક્સિજન લેવલ ગુરુવારે 90 ટકા અને બાદમાં 60 ટકા થઇ ગયું હતું. 18 કલાક થયા છતાં હોસ્પિટલમાં સરવાર મળી શકી નહીં. ગમે તેમ કરીને મલાડની એક ખાનગી હોસ્પિટલમાં એક બેડ મળ્યો. તેઓને શુક્રવારે એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયાં હતાં, પરંતુ એ દવાખાનામાં બેડ ખાલી થવામાં વાર લાગી અને તેઓને એક કલાક એમ્બ્યુલન્સમાં રહેવું પડ્યું હતું. આ પછી દવાખાનામાં દાખલ થતાં જ ફરજ પરના ડોકટરે આ મહિલાને તપાસતાં હાર્ટ એટેકમાં મોત થયાનું જણાવ્યું હતું. તેમનું કોરોના રોગનું પરીક્ષણ થયું હતું પરંતુ તેમનો રિપોર્ટ હજુ આવ્યો નહોતો. ડોકટરે પરિવારજનોને જણાવ્યું કે જો આ મહિલા દર્દીને અક દિવસ પહેલા સમયસર સારવાર મળી શકી હોત તો તે બચી શકી હોત.
ગુજરાતી ગર્ભવતી મહિલાની વ્યથા
ઈશાન મુંબઇના ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિશાલ પૂંજોએ “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી મારી પર વોર્ડના નાગરિકોના તબીબી મદદ માટે સતત ફોન આવી રહ્યા છે, પરંતુ અહીં હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ વિકટ પરિસ્થતિમાં મુકાઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓના ફોન આવ્યા હતા. તેમાંથી નિત્યાનંદનગરમાં રહેતી 27 વર્ષની પાંચ મહિનાની ગર્ભવતી ગુજરાતી મહિલા અને તેની 3 વર્ષની નાની દીકરી 4 દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ થવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે. તેમની તબિયત નાજુક છે, અમે તેઓને તુરંત સારવાર મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી