બેઠક:આજે મહાપાલિકાની ચૂંટણીની તૈયારીને લઈ પ્લાન રજૂ કરાશે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે 9 વોર્ડ વધ્યા હોવાથી બેઠકોનાં સમીકરણ પણ બદલાશે

રાજ્યમાં હાલ મહાપાલિકાની ચૂંટણીઓ તૈયારીઓ જોરદાર ચાલી રહી છે તેમાં મુંબઈ, પુણે જેવી મોટી મહાપાલિકાની ચૂંટણીઓનો સમાવેશ થાય છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં લેતાં નવી વોર્ડ રચનાનો પ્લાન સોમવારે રાજ્ય ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં આવશે. તેમાં મતદાન કેન્દ્ર, મતદાર યાદી, બૂથ, વોર્ડનું સીમાંકન રહેશે. ઉપરાંત વધેલા 9 વોર્ડની યાદી પણ રજૂ કરવામાં આવશે. આગામી ફેબ્રુઆરીમાં મહાપાલિકાની ચૂંટણી નિર્ધારિત છે, પરંતુ કોરોનાને કારણે તે લંબાઈ પણ શકે છે.

હાલમાં મુંબઈમાં 227 વોર્ડ છે. તેમાં 9 વોર્ડનો વધારો થતાં કુલ વોર્ડની સંખ્યા હવે 236 થવાની છે. અર્થાત ચૂંટણીની બેઠકોનાં સમીકરણો પણ તેને લીધે બદલાશે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈની લોકસંખ્યામાં મોટો વધારો થયો છે તે ધ્યાનમાં લઈને મુંબઈના વોર્ડની સંખ્યા 9 સુધી વધારવામાં આવી છે.હાલમાં જ વિધાનમંડળના શિયાળુ સત્રમાં 236 વોર્ડ પર મંજૂરીની મહોર લાગી છે. સુધારિત વોર્ડ રચના અનુસાર તૈયાર કરેલા પ્લાન સોમવારે રજૂ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વાંધા, સૂચનો મગાવવામાં આવશે
આ સુધારિત પ્લાન ચૂંટણી પંચ સામે રાખ્યા પછી ચૂંટણી પંચ તેની પર વાંધા- સૂચનો મગાવશે. ઉપરાંત તે બાબતે કોઈ સૂચના હોય તો તેનો પણ વિચાર કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકાની મુદત 8 માર્ચ, 2022ના રોજ પૂરી થઈ રહી છે. આથી ચૂંટણીની તૈયારી જોરશોરથી શરૂ થઈ છે. સમયસર કામો પૂરાં કરવા મહાપાલિકા પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે.

આ ચૂંટણીમાં ભાજપ શિવસેનાને બહાર કાઢવા માટે સંપૂર્ણ તાકાત કામે લગાવી રહ્યો છે, જ્યારે શિવસેના પણ ફરીથી સત્તામાં રહેવા કોઈ કમર બાકી નહીં રાખશે. છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈમાં શિવસેનાની સત્તા છે. જોકે ભાજપ અને શિવસેના વચ્ચે 25 વર્ષનો નાતો તૂટી જવાથી આ વખતનાં સમીકરણો સાવ અલગ હશે. જનતા કોને કોલ આપશે તે જોવાની બધાને ઉત્સુકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...