તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેખભાળનો ખર્ચ વધુ:રાણીબાગના પેંગ્વિન સફેદ હાથી પુરવાર થઈ રહ્યા છે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • |ત્રણ વર્ષ માટે પેંગ્વિનનું ધ્યાન રાખવા માટે 15 કરોડના ટેંડર મગાવાયા

પેંગ્વિનના કારણે રાણીબાગની શોભા વધે છે છતાં આ પક્ષીઓના દેખભાળનો ખર્ચ આંખો પહોળી કરનારો છે. મહાપાલિકાએ 2021 થી 2024 એમ ત્રણ વર્ષ માટે પેંગ્વિનની દેખભાળ અને તેમના આરોગ્યના વ્યવસ્થાપન માટે 15 કરોડ રૂપિયાના ખર્ચના ટેંડર મગાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે 5 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ અપેક્ષિત છે. એટલે કે આગામી ત્રણ વર્ષ માટે વર્ષે 5 કરોડ રૂપિયા અને મહીને રૂ. 42 લાખ મેઈનટેનન્સ ખર્ચ થાય એવી શક્યતા છે.

દક્ષિણ કોરિયાથી 2017માં રાણીબાગમાં 8 હેમ્બોલ્ટ પેંગ્વિન લાવવામાં આવ્યા હતા. એમાંથી એકનું એ સમયે બે મહિનામાં જ મૃત્યુ થયું હતું. અત્યારે રાણીબાગમાં 7 મોટા પેંગ્વિન અને 2 બચ્ચા છે. 2017માં પેંગ્વિન કક્ષ ઊભો કરવા માટે રૂ. 10 કરોડ અને પેંગ્વિનની ખરીદી માટે અઢી કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. પેંગ્વિન લાવ્યા બાદ એના ખર્ચ પરથી મોટો રાજકીય વિવાદ થયો હતો. તેમ જ મુંબઈના ભેજવાળા વાતાવરણમાં પેંગ્વિન ઝાઝો સમય જીવશે નહીં એવો દાવો કરવામાં આવ્યો હતો.

મહાપાલિકાએ એન્ટાર્કટિકા ખંડના વાતાવરણ પ્રમાણે હાઈફાય દરજ્જાની સુવિધા રાણીબાગમાં ઊભી કરી હતી. એ પછી પેંગ્વિનનો ઝડપથી વિકાસ થતા વિવાદ ઠંડો પડ્યો હતો. પેંગ્વિન લાવ્યા પછી છેલ્લા ત્રણ વર્ષમાં રાણીબાગમાં પર્યટકોની સંખ્યા વધતાં પ્રવેશ શુલ્ક પેટે 20 થી 25 કરોડ રૂપિયાનો નફો થયો છે.

ટેંડરની પ્રશાસકીય પ્રક્રિયા ચાલુ
મહાપાલિકાએ દેખભાળ અને આરોગ્ય વ્યવસ્થાપન માટે ત્રણ વર્ષ પહેલાં આપેલો કોન્ટ્રેક્ટ 7 સપ્ટેમ્બર 2021ના પૂરો થયો હતો. ત્રણ વર્ષ પહેલાં 10 કરોડનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. હવે 2021થી 2024ના ત્રણ વર્ષ માટે રૂ. 15,26,23,720 ખર્ચના ટેંડર મગાવ્યા છે. રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ આ માહિતીને ટેકો આપ્યો હતો. ત્રણ વર્ષના દેખભાળ અને આરોગ્ય વ્યવસ્થાપન માટે ટેંડર છે અને એની પ્રશાસકીય પ્રક્રિયા ચાલુ છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...