મુશ્કેલી:નવરાત્રિમાં મુંબઈમાં રસીકરણ ઝુંબેશની ગતિ 50 ટકા ઘટી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 100 ટકા રસીકરણ પૂરું કરવાનું લક્ષ્ય છે ત્યારે મુંબઈમાં ચિંતા

મુંબઈમાં નવરાત્રિના સમયગાળામાં રસીકરણ ઝુંબેશની ગતિ મંદ પડી છે, જેને કારણે મહાપાલિકા પ્રશાસન ચિંતામાં મુકાયું છે. છેલ્લા થોડા મહિનાથી મુંબઈમાં રસીકરણની ઝડપભેર ચાલતું હતું અને મુંબઈગરાનો રસીકરણનો ઉત્સાહ એટલો પ્રચંડ હતો કે રસીઓ ઓછી પડવા લાગી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી રસીકરણની ગતિ લગભગ 50 ટકા મંદ પડી છે. મહાપાલિકા દ્વારા હવે રસીકરણની ગતિ વધારવા માટે અલગ અલગ ઉપક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, દેશમાં આગામી અમુક મહિનામાં 100 ટકા રસીકરણ પૂરું કરવાનો ઉદ્દેશ છે ત્યારે મુંબઈમાં રસીકરણની ગતિ મંદ પડી તે ચિંતાની બાબત છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં રસીકરણની ગતિ મંદ પડી છે. ગણપતિ સુધી રસીકરણ માટે લોકો આગળ આવતા હતા. જોકે આ મહિનામાં 50 ટકા રસી બાકી રહી જાય છે. પ્રથમ અને બીજા ડોઝમાં વધુ દિવસોનું અંતર હોવાથી પણ બીજા ડોઝ માટે લોકો ઓછા આવી રહ્યા છે. હજુ અમુક લોકો રસી લેવા માગતા નથી અને લોકોમાં જાગૃતિ નિર્માણ કરવાની આવશ્યકતા છે.

મુંબઈમાં 16 જાન્યુઆરી, 2021થી કોરોનાની રસી આપવાનું શરૂ થયું હતું અને 12 ઓક્ટોબર, 2021 સુધી લગભગ 1.29 કરોડ રસીનીમાત્રા આપવામાં આવી હતી. મિશન કવચ કુંડલ ઝુંબેશ અનુસાર દિવસમાં મુંબઈમાં 1.50 લાખથી 2 લાખ લોકોને રસી આપવાનું અપેક્ષિત હતું. જોકે તાજેતરમાં પ્રતિ દિવસ રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં સાર્વજનિક રસીકરણ કેન્દ્ર પર માંડ 50થી 90 હજાર લોકો આવી રહ્યા છે. આ ધ્યાનમાં લેતાં નાગરિકોને રસી લેવા આગળ આવવા માટે મહાપાલિકા દ્વારા વિવિધ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

મહાપાલિકા કમિશનરના આદેશ
દરમિયાન મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે દરેક વોર્ડને આદેશ આપ્યો છે કે નિશ્ચિત ઈમારતોની જૂથ બનાવીને રસીકરણનું લક્ષ્ય પૂરું કરવું. ઝૂંપડપટ્ટીઓ અને અમુક સામૂહિક ઈમારતો માટે સાર્વજનિક સ્થળે હંગામી રસીકરણ કેન્દ્ર ઊભું કરી આપવાની મહાપાલિકા યોજના બનાવી રહી છે. મહિલાઓ, વિદ્યાર્થીઓ, વંચિત જૂથ વગેરે માટે વિશેષ રસીકરણ સત્રનું આયોજન, જરૂર પડ્યે રસીકરણ કેન્દ્ર પર સમય અને સત્રમાં ફેરફાર કરવો જેવા ઉપક્રમ હાથ ધરાશે.

સોસાયટીની બહાર લાગશે પોસ્ટર
દરમિયાન જે હાઉસિંગ સોસાયટીઓમાં 100 ટકા રસીકરણ થઈ ગયું હોય તે સોસાયટીના પ્રવેશદ્વાર પર 100 ટકા રસીકૃત એવું પોસ્ટર મહાપાલિકા દ્વારા લગાવવાનો નિર્ણય લેવાયો છે. મુંબઈના બધા વોર્ડમાં રસીકરણ કેટલું પૂરું થયું છે તેની જાણકારી આપવા જણાવાયું છે. આગામી થોડા દિવસમાંઆ માહિતી પ્રાપ્ત થયા પછી સોસાયટીમાં બધાએ રસી લીધી હોય તો તેની સરાહના કરતું પોસ્ટર લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...