તપાસ:એરપોર્ટની હવાઈપટ્ટી પર પેટ્રોલ ભરેલી બોટલ મળતાં ખળભળાટ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નજીકની ઝૂંપડપટ્ટીમાંથી ફેંકેલા કચરામાં બોટલ આવી હોવાનું તારણ

75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશભરમાં હાઈ એલર્ટ છે ત્યારે જ મુંબઈ એરપોર્ટની હવાઈપટ્ટી નજીકથી પેટ્રોલ ભરેલી બોટલ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં એરપોર્ટને અડીને આવેલી ઝૂંપડપટ્ટીમાંથી કોઈકે ફેંકેલા કચરામાંથી આ પેટ્રોલ ભરેલી બોટલ આવી હોવાનું બહાર આવ્યું છે.વાકોલાની ગાવદેવી ઝૂંપડપટ્ટીમાંથી મુંબઈ એરપોર્ટની હવાઈપટ્ટી પર પેટ્રોલ ભરેલી નાની પ્લાસ્ટિકની બોટલ ફેંકવામાં આવી હોવાનું બુધવારે રાત્રે 9 વાગ્યે જાણવા મળ્યું હતું. એરપોર્ટની અડીને ઝૂંપડપટ્ટીનો મોટો હિસ્સો આવેલો છે.

અહીંથી અમુક લોકો એરપોર્ટ વિસ્તારમાં કચરો ફેંકે છે તેમાંથી આ બોટલ પણ ફેંકવામાં આવી હોવાની શંકા છે. જોકે એરપોર્ટની હવાઈપટ્ટી નજીકથી પેટ્રોલથી ભરેલી બોટલ મળી આવતાં ઘાતપાતની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. રવિવારે 75મો આઝાદી દિવસ હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. આ અંગે જાણ થતાં જ એરપોર્ટ પર સીઆઈએસએફના સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ પછી બોમ્બનાશક ટુકડીને બોલાવવામાં આવી હતી અને બોટલ જપ્ત કરી હતી. આ ઘટનાથી વિમાનસેવાને કોઈ અસર થઈ નહોતી.

આ ઘટના પછી સ્થાનિક પોલીસે પણ તપાસ કરી હતી, પરંતુ આ કૃત્ય ચોક્કસ કોણે કર્યું તે જાણી શકાયું નહોતું. ઝોન-8ના ડીસીપી મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે એરપોર્ટની સીમા પર દીવાલને અડીને આવેલી ઝૂંપડપટ્ટીમાંથી અમુક લોકો એરપોર્ટ પરિસરમાં કચરો ફેંકે છે. તેમાં આશરે 50 મિલિ પેટ્રોલ ધરાવતી પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી. સીઆઈએસએફના જવાને તે જોતાં એરપોર્ટ પરિસરમાં દીવાલ પરના કંટ્રોલ રૂમને સતર્ક કરવામાં આવ્યો હતો.મુંબઈ એરપોર્ટ દિલ્હી પછી સૌથી વ્યસ્ત છે. એરપોર્ટની સુરક્ષા સાથે સીઆઈએસએફ ત્યાં પ્રવાસીઓને પૂરી પડાતી સુવિધાઓ પર નિયંત્રણ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...