વાઝેની અરજી પર NIA જવાબ:ઘરમાં નજરકેદમાં રાખવા વાઝેની અરજી પર NIA જવાબ નોંધાવશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાયપાસ સર્જરી પછી વાઝેએ ખાનગી હોસ્પિટલમાં છે

એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને વેપારી મનસુખ હિરન હત્યા કેસમાં મુખ્ય આરોપી બરતરફ એપીઆઈ સચિન વાઝેએ પોતાની પર બાયપાસ સર્જરી કરાવી હોવાથી ઘરમાં નજરકેદમાં રાખવા માટે કોર્ટમાં કરેલી અરજી પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને મુંબઈ હાઈ કોર્ટે બુધવારે જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો છે. વાઝેની આ વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી, જે પછી તેને પોલીસ કસ્ટડી બાદ જેલ કસ્ટડીમાં રખાયો છે. ગયા મહિને તેને ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાવવા માટે સેશન્સ કોર્ટે પરવાનગી આપી હતી.

વાઝેએ સર્જરી પછી સારી રીતે સાજો થઈ શકે તે માટે ઘરમાં નજરકેદ હેઠળ રાખવા માટે વિશેષ એનઆઈએ કોર્ટ પાસે પરવાનગી માગી હતી. વાઝેએ કહ્યું કે જો સર્જરી પછી જેલમાં રાખવામાં આવશે તો ચેપ લાગુ થવાની શક્યતા છે. વિશેષ એનઆઈએ કોર્ટે ગયા મહિને વાઝેની નજરકેદમાં રાખવાની અરજી નકારી કાઢી હતી, જે પછી આ સપ્તાહમાં તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. બુધવારે વાઝેની અરજી જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ સારંગ કોટવાલની ખંડપીઠ સામે સુનાવણીમાં આવી હતી.

વાઝેના વકીલ સુદીપ પાસબોલા અને રૌનક નાઈકે કોર્ટને કહ્યું કે વાઝેને ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને હાલમાં તે નવી મુંબઈની તલોજા જેલમાં છે. જેલની હોસ્પિટલની સ્થિતિ સારી નથી અને સારી સુવિધા પણ નથી.ખંડપીઠે આ પછી એનઆઈએને આ અંગે એક સપ્તાહમાં એફિડેવિટ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

વાઝેએ અરજીમાં જણાવ્યું કે તેને ચેપ લાગુ થવાનું ઉચ્ચ જોખમ છે, કારણ કે તેની સર્જરી હાલમાં જ કરવામાં આવી છે અને જો તેને જેલમાં રાખવામાં આવે તો આરોગ્ય વધુ બગડી શકે છે. અરજીમાં ઘરમાં નજરકેદ હેઠળ રાખવા વિનંતી કરવામાં આવી છે. વાઝેને ઘરમાં અલગ રૂમમાં રાખવામાં આવશે, જ્યાં સંપૂર્ણ એકલતા જાળવી રાખવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...