કોરોનાને કારણે વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થઈ છે. આને કારણે છેલ્લા દોઢ વર્ષમાં મહાપાલિકા દ્વારા શાળા સંબંધી અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની આખરે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થવાની છે. કોરોનાને કારણે જ હવે મુંબઈ મહાપાલિકાના શિક્ષણ વિભાગે આ વખતે સ્કોલરશિપ પરીક્ષા નહીં લેવાનો મોટો નિર્ણય લીધો છે. આ સંબંધમાં શિક્ષણ વિભાગે એક સર્ક્યુલર પણ જારી કર્યું છે. આ સર્ક્યુલરમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના આરોગ્યનું કારણ આપ્યું છે.
મુંબઈ મહાપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સુરક્ષાનાં કારણોસર મુંબઈ મહાપાલિકાની શાળાઓને સ્કોલરશિપ પરીક્ષા નહીં યોજાશે એવો આદેશ આપ્યો છે. જોકે આદેશ ખાનગી અનુદાનિત કે બિન- અનુદાનિત શાળાઓને લાગુ થાય છે કે નહીં તેનો ઉલ્લેખ નથી. આથી મુંબઈના અમુક વિદ્યાર્થીઓ 5માથી 8મા ધોરણની સ્કોલરશિપની પરીક્ષામાં બેસી શકશે.
કોરોના વચ્ચે પરીક્ષાઓ અંગે સર્વત્ર મૂંઝવણનું વાતાવર છે. શિક્ષકો પાસે વાલીઓ આ બાબતે અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે. સર્વ શાળાઓમાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ મારફત લેવામાં આવનારી સ્કોલરશિપ પાછળ ઠેલીને બધાને સમાન ન્યાય અને તક આપવો જોઈએ એવી માગણી કરવામાં આવી છે.
દરમિયાન આઠમા ધોરણની સ્કોલરશિપની પરીક્ષાઓ 12 ઓગસ્ટે રાજ્યભરમાં યોજાવાની છે. જોકે મુંબઈ મહાપાલિકાએ આ પરીક્ષા તેની શાળાઓમાં રદ કરી છે. આ પૂર્વે રાજ્ય પરીક્ષા પરિષદ વતી લેવામાં આવતી સ્કોલરશિપની પરીક્ષા બે વાર પાછળ ઠેલવામાં આવી છે.
મહાપાલિકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સૌથી વધુ જરૂર સ્કોલરશિપની પરીક્ષાની હોય છે. જોકે હવે આ જ વર્ગ પરીક્ષાથી વંચિત રહી જવાનો છે. ખાનગી અનુદાનિત અને બિન- અનુદાનિત શાળાઓ માટે આ આદેશ નહીં હોવાથી મહાપાલિકાની શાળાઓના હોશિયાર વિદ્યાર્થીઓ પર મોટો અન્યાય થશે, એમ વાલીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.