જોગવાઈ:મુંબઈ- દિલ્હી ટ્રેનનો પ્રવાસ હવે12 કલાકમાં થઈ શકશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનની સ્પીડ કલાકના 160km કરવા કામ ચાલુ

મુંબઈથી દિલ્હીનો પ્રવાસ હવે ઝડપી થશે. આ રૂટ પરની ટ્રેનની સ્પીડ વધારવા માટે પાટાની ક્ષમતા વધારવા સાથે જ બીજા કામ કરવા પડશે. આ કામ માર્ચ 2024 સુધી પૂરું કરવામાં આવશે. તેથી આ રૂટ પર ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરના બદલે 160 કિલોમીટરની થશે. પરિણામે દિલ્હી સુધી દોડતી રાજધાની એક્સપ્રેસનો 16 કલાકનો પ્રવાસ 12 કલાકનો થઈ જશે અને પ્રવાસીઓનો ચાર કલાકનો સમય બચશે. આ રૂટ પર રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ, દુરન્તો, શતાબ્દી જેવી એક્સપ્રેસ ટ્રેન દોડે છે.

આ કામ માટે કેન્દ્રિય બજેટમાં પશ્ચિમ રેલવે માટે 450 કરોડ રૂપિયાના ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે. પહેલાં પણ આ કામ માટે ભંડોળ મળ્યું છે અને કામ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈથી દિલ્હી વચ્ચે રાજધાની એક્સપ્રેસ સહિત 30થી વધુ ટ્રેન દોડે છે. આ પ્રવાસને 16 કલાક અને કેટલીક સ્પેશિયલ ટ્રેનને 14 કલાક લાગે છે. મુંબઈથી દિલ્હી રૂટ પર કેટલાક ઠેકાણે ટર્નિંગ હોવાથી ટ્રેનની ઝડપ ઓછી થાય છે.

પરિણામે કલાકે 130 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન વધુમાં વધુ 110 કિલોમીટરની ઝડપે દોડતી થાય છે. અઢી વર્ષ પહેલાં ટ્રેનની ઝડપ કલાકના 130 કિલોમીટર કરવાનો પ્રકલ્પ પૂરો કરવામાં આવ્યો હતો અને હવે 160 કિલોમીટર સુધી દોડાવવા માટે બીજા તબક્કાનું કામ ચાલુ થયું છે. મુંબઈથી દિલ્હી રૂટ પર ટ્રેનની ઝડપ વધારવાના પ્રકલ્પનો ખર્ચ 6 હજાર 600 કરોડ રૂપિયા થશે. ગયા વર્ષના બજેટમાં 1 હજાર 340 કરોડ રૂપિયા અને આ વર્ષે 450 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...