કોરોના મહામારી:દ. મુંબઈની ઈમારતો અને હાઈ સોસાયટીમાં કોરોનાનો વધુ વ્યાપ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલી-ઝૂંપડપટ્ટીઓની સરખામણીએ ગગનચુંબી ઈમારતોમાં કોરોનાગ્રસ્ત 80% દર્દીઓ

ધારાવી સહિત ઉપનગરોની ચાલીઓ, મ્હાડા ઈમારતો, ઝૂપડપટ્ટીઓમાં શરૂઆતમાં હાહાકાર મચાવનારા કોરોનાએ હવે બહુમાળી ઈમારતો અને ઉચ્ચભ્રુ વસતિઓમાં વ્યાપ વધાર્યો છે. સરકારી કર્મચારીઓની કોલોની, ઝૂપડપટ્ટી પ્રાધિકરણ, મ્હાડાની ઈમારતો અને ચાલીઓની સરખામણીએ ગગનચુંબી ઈમારતોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાનું એક સર્વેક્ષમમાં જાણવા મળ્યું છે. તેથી મહાપાલિકાએ ગગનચુંબી ટાવરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દક્ષિણ મુંબઈના ગિરગાવ, મલબાર હિલ, નેપિયન્સી રોડ, પેડર રોડ, ગ્રાન્ટ રોડ, તારદેવ અને આસપાસના પરિસરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ બાબત ધ્યાનમાં રાખતા ડી વોર્ડે પરિસરમાં સર્વેક્ષણ કર્યું હતું. એમાં પોલીસ, મહાપાલિકા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ વગેરેની કોલોનીઓ, મ્હાડા-ઝૂપડપટ્ટી પ્રાધિકરણ તેમ જ ગગનચુંબી ઈમારતોમાં દર્દીઓની સંખ્યાનો અભ્યાસ કરવામાં આવ્યો.

ડી વોર્ડમાં કુલ દર્દીઓની સંખ્યાની સરખામણીએ ઝૂપડપટ્ટીઓ, ચાલીઓમાં 5 થી 6 ટકા, સરકારી, મહાપાલિકા, ઝૂપડપટ્ટી પુનર્વસન અને મ્હાડા કોલોનીમાં 12 થી 15 ટકા કોરોનાગ્રસ્ત દર્દીઓ મળ્યા. ગગનચુંબી ઈમારતોમાં 80 ટકાથી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓ મળ્યા. મહાપાલિકાએ બહુમાળી ઈમારતોમાં ટેસ્ટનું પ્રમાણ વધાર્યું છે. મોટી સોસાયટીઓમાં ઘરકામ કરતા કર્મચારીઓના રહેવા માટે રૂમ હોય છે. અહીં રહેતા કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયાનું જણાયું છે.

કેટલાક કર્મચારીઓ બહારગામ જઈ આવ્યા છે. કેટલાક ઘર માટે જરૂરી સીધાકરિયાણું લાવવા બજારમાં આવજા કરે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાથી તેમને કોરોનાનું સંક્રમણ થયું હોવું જોઈએ એવો નિષ્કર્ષ સર્વેક્ષણમાં કાઢવામાં આવ્યો છે. દર્દીઓની સંખ્યામાં થતો વધારો ધ્યાનમાં લેતા ડી વોર્ડ કાર્યાલયના સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે બહુમાળી ઈમારતોના પદાધિકારીઓની વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક આયોજિત કરી હતી.

આ બેઠકમાં 167 સોસાયટીઓના પદાધિકારીઓ સહભાગી થયા હતા. સોસાયટીઓમાં થતી બેઠકો, ઘરમાં જુદા ઓરડામાં રહેતા કર્મચારીઓ, માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, સેનિટાઈઝેશન વગેરે બાબતે મહાપાલિકા અધિકારીઓએ સોસાયટીના પદાધિકારીઓને સૂચનાઓ આપી હતી. 154 બહુમાળી ઈમારતોમાં મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ મળ્યા છે. ત્યાં જનજાગૃતિ અને સંક્રમણ રોકવાની દષ્ટિએ ઉપાયયોજનાઓ કરાઈ રહી છે એમ ગાયકવાડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...