દિવસમાં આઠ ઈંચ વરસાદ પડે તો મુંબઈ નહીં પણ કોઈ પણ શહેરમાં પૂર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એમ ગુરુવારે રાજ્યના મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. નિસર્ગના પ્રકોપને કોઈ પણ રોકી નહીં શકે.
અમે વિવિધ સ્થળે પાણીનો નિકાલ કરવાનાં પંપો ગોઠવ્યાં છે. પમ્પિંગ સ્ટેશનોને તૈયાર રાખવામાં આવ્યા છે. કચરો રોકવા અવરોધો બનાવ્યા છે અને અન્ય જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે. આમ છતાં જો વાદળ ફાટવા જેવી તીવ્ર હવામાનની પરિસ્થિતિ ઉદભવે તો કોઈ કશું જ નહીં કરી શકે, એમ તેમણે જણાવ્યું હતું.ચોમાસા પૂર્વેં મહાપાલિકા દ્વારા કરવામાં આવેલાં કામોનો કયાસ મેળવવા માટે તેઓ ગુરુવારે મુખ્યાલયમાં આવ્યા હતા. તેમણે નાળાસફાઈ, ઝાડ છાટણી, રસ્તાનાં સમારકામ વગેરે કામોની સમીક્ષા કરી હતી.
ગયા વર્ષે ચોમાસા દરમિયાન જ્યાં પણ પૂર જેવી સ્થિતિ ઉદભવી હતી તેમાંથી 90 ટકા જગ્યાઓમાં પાણી નહીં ભરાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે, અમુક જગ્યામાં તે કામ કરવાનું બાકી છે. આ વર્ષે ઉનાળો અને શિયાળો પણ તીવ્ર રહ્યો હતો અને તેથી ચોમાસુ પણ તીવ્ર રહેશે એવો અંદાજ છે.
જોકે અમે આવી કોઈ પણ ઘટના માટે તૈયાર છીએ અને તેની પર જરૂરી કામ કર્યું છે. અમે કોઈ પણ તીવ્ર હવામાનની ઘટનામાં ઓછામાં ઓછી અસર થાય અને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેની ખાતરી રાખવા માગીએ છીએ. 78 ટકા કલ્વર્ટ સફાઈનાં કાર્યો પૂરાં કરવામાં આવ્યાં છે, પરંતુ જો આવતીકાલે કોઈ ત્યાં જઈને જુએ તો તરતો કચરો જોવા મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.