તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક:ઓછા વરસાદથી જળાશયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાણીનો સૌથી ઓછો જથ્થો

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે
  • મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે

મુંબઈમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલપઝલપ કરી રહેલા વરસાદને લીધે જળાશયોમાં પાણીની સપાટી હવે ઝડપથી ઓછી થઈ રહી છે. વરસાદની સરેરાશ ટકાવારી પણ ચિંતાજનક રીતે ઘટી ગઈ છે. આથી આગામી દિવસોમાં જો સારો વરસાદ નહીં પડે તો મુંબઈગરાને આગામી વર્ષે પાણીકાપનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈમાં રવિવારે સવારે 8.30 સુધી કુલ મોસમનો વરસાદ કોલાબામાં 87.34 ટકા અને સાંતાક્રુઝમાં 97.75 ટકા નોંધાયો હતો, જે ગયા વર્ષે આ જ સમયગાળા સુધી અનુક્રમે 131.3 ટકા અને 118.61 ટકા નોંધાયો હતો. કોલાબામાં વાર્ષિક 2295 મિમી વરસાદ પડે છે, જ્યારે સાંતાક્રુઝમાં 2704 મિમી છે, જેની સામે હમણાં સુધી અનુક્રમે 2004.4 અને 2643.2 મિમી વરસાદ પડ્યો છે.આમ, અલપઝલપ વરસાદને લીધે મોસમની ટકાવારી ઓછી થવા સાથે મુંબઈને પાણી પુરવઠો કરતાં જળશયોની સપાટી પણ ઓછી થઈ રહી છે. રવિવારે સવારે 6 સુધી સાત જળાશયમાં 13,29,168 મિલિયન લિટર પીવાલાયક પાણી હતું. 2020માં તે 14,19,032 મિલિયન લિટર હતું, જ્યારે 2019માં 14,16,216 મિલિયન લિટર હતું.

છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ અલપઝલપ કરી રહ્યો છે, જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે. આ જળાશયોમાંથી રોજ 4200 મિલિયન લિટર પાણીની માગણી સામે મુંબઈને રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તુલસી અને વિહાર જળાશય છે, જેમાં બંને 16 જુલાઈએ છલકાઈ ગયાં છે. થાણે જિલ્લામાં આવેલા મોડકસાગર અને તાનસા જળાશય 22 જુલાઈએ છલકાઈ ગયાં છે. જોકે તે પછી વરસાદ ઓછો થઈ ગયો છે.

કયા જળાશયમાં કેટલું પાણી
અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 602.14 મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં 75 ઈંચ વરસાદ પડ્યો છે. મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં 161.61 મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી 98 ઈંચ વરસાદ પડ્યો છે.તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 128.56 મિલિયન લિટર પાણી છે, જેમાં 84 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ 283.30 મિલિયન લિટર પાણી છે, જેમાં 79 ઈંચ વરસાદ પડ્યો છે.ભાતસાની છલકાવાની સપાટી 142.07 મિલિયન લિટર છે, જેમાં હાલ 140.22 મિલિયન લિટર પાણી છે, જેમાં 83 ઈંચ વરસાદ પડ્યો છે. વિહારની છલકાવાની સપાટી 80.12 મિલિયન લિટર છે, જેમાં હાલ 80.30 મિલિયન લિટર પાણી છે, 112 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે તુલસીની છલકાવાની સપાટી 139.17 મિલિયન લિટર છે, જેમાં હાલ 139.23 મિલિયન લિટર પાણી છે, જ્યારે 165 ઈંચ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...