તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અંધેરીનું જૈન મંદિર રસીકરણ કેન્દ્રમાં ફેરવવામાં આવશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના નિર્દેશ અનુસાર દરરોજ 400 નાગરિકોને રસી આપવાની વ્યવસ્થા કરાશે

અંધેરીમાં જૈન મંદિરને રસીકરણ કેન્દ્રમાં ફેરવવામાં આવશે. મહાપાલિકાના નિર્દેશ અનુસાર અહીં રોજ 400 નાગરિકોનું રસીકરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સોમવારે આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવશે, જે પછી મંગળવારથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે.કાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘની મેનેજિંગ કમિટીની મિટિંગમાં અંધેરી પૂર્વના જેબી નગરમાં તેમના જૈન મંદિરને રસીકરણ કેન્દ્રમાં ફેરવવાનો અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારે રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સુરેશ શેટ્ટી, નગરસેવક જગદીશ અમીન, કે ઈસ્ટ વોર્ડના મેડિકલ ઓફિસર અને જૈન આગેવાનોની હાજરીમાં આ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવશે. જૈન મંદિરના આ કેન્દ્રમાં મહાપાલિકાના નિર્દેશ અનુસાર નોંધણી કરીને કોઈ પણ જાતિ, ધર્મના નાગરિકો રસી લઈ શકશે.અહીં રોજ 400 નાગરિકોને રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. 2 ડોક્ટર અને 4 નર્સની દેખરેખમાં રસી આપવામાં આવશે.

સંઘના સેક્રેટરી સંજય જે વોરાએ જૈન મંદિરને રસીકરણ કેન્દ્રમાં ફેરવવા અને માનવીના સ્વાસ્થ્ય કલ્યાણનો હિસ્સો બનાવવા માટે યોગદાન આપનારા સ્થાનિક નગરસેવક જગદીશ અમીન અન્નાજીનો આભાર માન્યો હતો. આ સંપૂર્ણ પ્રક્રિયામાં સીએ અને સ્ટડી સર્કલ ક્લાસીસના પ્રોફેસર જિનેશ શાહે પણ યોગદાન આપ્યું છે. સમાજને કશુંક પાછું આપવાનો સમય આવી ગયો છે, એમ તેમણે જણાવ્યું હતું. આ રસીકરણ કેન્દ્રમાં મંગળવારથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે. રસી લેવા માગનારા લોકોએ આરોગ્ય સેતુ અથવા કોવિન એપ પર નોંધણી કરાવવાનું જરૂરી છે.

ધાર્મિક સ્થળો માટે પ્રેરણારૂપ
મુંબઈમાં 18-44 વયજૂથના નાગરિકોને પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી રસી અને રસીકરણ કેન્દ્રોની ભારે અછત સર્જાઈ છે. આવા સંજોગોમાં આ જૈન મંદિર આગળ આવ્યું છે, જે મુંબઈ સહિત દેશભરમાં અન્ય ધાર્મિક સ્થળોને પણ તેમનાં સ્થળોને રસીકરણ કેન્દ્રમાં ફેરવવા માટે પ્રેરણારૂપ સાબિત થશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...