કોર્ટ તેની ન્યાયસીમાની બહાર કેસ નોંધવામાં આવ્યો હોય તેમાં ટ્રાન્ઝિટ બેલ આપી શકે કે કેમ તે નક્કી કરવા મુંબઈ હાઈ કોર્ટની ખંડપીઠે મામલો ફુલ બેન્ચ પાસે મોકલી દીધો છે. જસ્ટિસ એસ એસ શિંદે અને એસ વી કોટવાલની બેન્ચે 5 મેના આદેશમાં આ મામલો ફુલ બેન્ચ પાસે મોકલ્યો છે, જેની નકલ બુધવારે ઉપલબ્ધ થઈ છે.
ખંડપીઠે જણાવ્યું કે આ પ્રકરણમાં નાગરિકોની આઝાદી સંકળાયેલી છે અને કોર્ટે તપાસ એજન્સીઓ દ્વારા સામનો કરાતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવી પડશે અને ટ્રાન્ઝિટ બેલ આપ્યા બાદ તેની જોગવાઈઓનો દુરુપયોગ નહીં થાય તેની પણ ખાતરી રાખવાની રહેશે. અલગ અલગ હાઈ કોર્ટોમાં ભિન્નમત હોવાથી ફુલ બેન્ચે આ મામલો સાંભળવો જોઈએ અને નિર્ણય લેવો જોઈએ.
2018માં જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની સિંગલ બેન્ચે તેની ન્યાયસીમાની બહાર નોંધાયેલા કેસમાં કોર્ટ દ્વારા ટૂંકી મુદત માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપી શકાય કે નહીં તેનો ફેંસલો કરવા મામલો ખંડપીઠ પાસે મોકલી દીધો હતો. ખંડપીઠે નોંધ્યું કે નાગરિકોની આઝાદીનો આ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. કોર્ટે તપાસ એજન્સીની મુશ્કેલીઓનું સંતુલન રાખવું પડશે. જોગવાઈનો આરોપી અથવા ફરિયાદી દ્વારા પણ દુરુપયોગ થઈ શકે છે.
એકાદ કેસમાં કોઈકને હેરામ કરવા ફરિયાદી ભારતમાં અન્ય સ્થળે ત્યાં અમુક કૃતિ થઈ છે એવું બતાવીને એફઆઈઆર દાખલ કરવાનું પસંદ કરી શકે છે. આવા કિસ્સામાં આરોપીને તે કોર્ટમાં પહોંચવા અમુક રક્ષણની આવશ્યકતા રહેશે. અમુક વાર આરોપી ટ્રાન્ઝિટ બેલ લઈને પછી સમય વેડફીને આ જોગવાઈનો ગેરલાભ ઉઠાવી શકે છે.
આથી આ મુદ્દો નક્કી કરવા પૂર્વે બંને તરફનો વિચાર કરવો જરૂરી છે, એવી નોંધ ખંડપીઠે કરી છે.આથી અમને લાગે છે કે આ મામલામાં નાગરિકોનું વિશાળ હિત સંકળાયેલું છે અને તેથી મોટી ખંડપીઠ આ મામલો સાંભળે તે જ ઉચિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.