વિવાદ:શિર્ડી સાઈ સંસ્થાનાં ટ્રસ્ટી મંડળની નિયુક્તિની ગૂંચ યથાવત

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત આક્ષેપ અને કોર્ટ કેસમાં અટવાતાં ગૂંચ વધી રહી છે

અહમદનગર સ્થિત પ્રસિદ્ધ શિર્ડી સાઈ સંસ્થાનના ટ્રસ્ટી મંડળની નિમણૂકના મુદ્દાની ગૂંચ યથાવત છે. ટ્રસ્ટી મંડળની નિમણૂકની માગણી કરતી અરજીનો મુંબઈ હાઇ કોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે નવા ટ્રસ્ટી મંડળને 19 ઓક્ટોબર સુધી ધોરણાત્મક નિર્ણયો લેવા પર રોક લગાવી દેવામાં આવી છે. ત્યાં સુધી આ મામલો હાઇ કોર્ટ દ્વારા નિયુક્ત એડહોક કમિટી હાથ ધરશે. જો 19 ઓક્ટોબર સુધીમાં નવા ટ્રસ્ટી મંડળ અંગે કોર્ટ દ્વારા કોઈ આદેશ જારી કરવામાં નહીં આવે તો એડ હોક કમિટી મંદિરના સંચાલનને નવા ટ્રસ્ટી મંડળને સોંપશે.

શિર્ડી સંસ્થાન માટે નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરવા માટે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. સુનાવણી ચાલી રહી હતી ત્યારે 16 સપ્ટેમ્બરે રાજ્ય સરકારે નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક કરી. જોકે હાઇ કોર્ટને આ બાબતની જાણ કરવામાં આવી નહોતી, જેથી કોર્ટે 4 ઓક્ટોબર સુધી નિર્ણય પર સ્ટે આપ્યો હતો. અરજી પર 4 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અરજીનો હેતુ સફળ હોવાનું જણાવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે નવા ટ્રસ્ટીઓ પરનો પ્રતિબંધ 19 ઓક્ટોબર સુધી યથાવત રાખવામાં આવ્યો છે.

દરમિયાન 7 ઓક્ટોબરે એડહોક કમિટીની બેઠક યોજાશે. આગામી આદેશ સુધી આ સમિતિ કામ સંભાળશે, એમ અરજદારના વકીલ અજિંક્ય કાળેએ જણાવ્યું હતું. કોર્ટનો આદેશ 19 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે આ દરમિયાન કોઈ પિટિશન દાખલ કરવામાં નહીં આવી હોય તો એડ હોક કમિટી નવા ટ્રસ્ટીઓને સત્તા સોંપશે. ત્યાં સુધી મંદિરના અધિકારો અને કાર્યો એડહોક કમિટી પાસે રહેશે, એમ આદેશમાં જણાવાયું છે.

નવા ટ્રસ્ટી મંડળને લઈને વાંધા
નવા ટ્રસ્ટી મંડળને લઈને ઘણા વાંધા ઉઠાવવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર સંજય કાળેએ વાંધો ઉઠાવ્યો છે અને કોર્ટમાં જવાની ચેતવણી આપી છે. આથી નવા ટ્રસ્ટી મંડળ સામે નજીકના ગાળામાં અરજી દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે. અરજી દાખલ કરવામાં આવી હોવા છતાં કોર્ટ 19 ઓક્ટોબર સુધી તેની પર કોઈ આદેશ નહીં આપે તો નવા ટ્રસ્ટી મંડ પર કારભાર જોવા માટે લાદવામાં આવી મનાઈ આપોઆપ ઊઠી જશે.

અન્ય સમાચારો પણ છે...