ભાસ્કર વિશેષ:INS વેલા સબમરીન આજથી નૌકાદળમાં જોડાશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમુદ્રિ યુદ્ધના બહુઆયામી પાસાંમાં આક્રમક કામગીરી કરવા માટે સક્ષમ

ભારતીય નૌકા દળની ચોથી સ્ટીલ્ધ સ્કોર્પિન ક્લાસ સબમરીન આઈએનએસ (ઈન્ડિયન નેવલ શિપ) વેલા 25 નવેમ્બરે સેવામાં દાખલ થશે. ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપ સાથે સહયોગમાં મઝદાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા આ સબમરીન નિર્માણ કરવામાં આવી છે. આઈએનએસ વેલાનો અગાઉનો અવતાર 31મી ઓગસ્ટ, 1973માં સેવામાં મુકાયો હતો, જે 37 વર્ષની સેવા બાદ 25મી જૂન, 2021ના રોજ સેવાનિવૃત્ત કરાઈ હતી. નવી વેલા સમુદ્રિ યુદ્ધનાં બહુઆયામી પાસાંમાં આક્રમક કામગીરી કરવા માટે સક્ષમ છે.

6 મે, 2019ના રોજ આઈએનએસ વેલા લોન્ચ કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી, 2020ના રોજ સૌપ્રથમ સમુદ્રિ પરીક્ષણ માટે તેને ઉતારવામાં આવી હતી. એમડીએલ દ્વારા 9 ડિસેમ્બર, 2021ના રોજ આઈએનએસ વેલા ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી. આત્મનિર્ભર ભારતનો આ વધુ એક દાખલો છે.

લગભગ 11 મહિનાનાં વિવિધ પરીક્ષણો તેણે સફળતાથી પૂર કર્યાં છે. આશરે 67.5 મીટર લાંબી અને 12.3 મીટર ઊંચી આ સબમરીન લગભગ 400 મીટર સુધી સમુદ્રની ભીતર ડૂબકી લગાવવામાં સક્ષમ છે અને લગભગ 45 દિવસ સુધી ભીતર રહી શકે છે. તેના કેપ્ટન અનીશ મેથ્યુ છે. તેમાં 10 અધિકારી અને 35 નૌસૈનિકો તહેનાત રહેશે. આઈએનએસ વેલાની મુખ્ય બેટરી અને અનેક ઉપકરણો દેશમાં બનાવવામાં આવ્યાં છે. તે બેટરી અને ડીઝલ પર પણ ચાલી શકેછે. મુખ્યત્વે ડીઝલથી બેટરીને ચાર્જ કરાય છે અને પછી બેટરી પર ચાલે છે.

કલવરી ક્લાસની ચોથી સબમરીન
આઈએનએસ વેલા કલવરી ક્લાસની છ સબમરીનામાં ચોથી છે. નૌકાદળની સેવામાં સૌપ્રથમ આઈએનએસ કલવરી સામેલ થઈ હતી. આ પછી ખંડેરી અને કરંજ દાખલ કરાઈ હતી, જ્યારે આ આઈએનએસ વેલા ચોથી છે. તેમાં અત્યાધુનિક સ્ટીલ્ધ ફ્યુચર, હથિયાર પ્રણાલી, આધુનિક સોનાર, રડાર, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સેન્સર અને સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ છે.

અન્ય સમાચારો પણ છે...