કોરોનાના પ્રતિબંધો ઉઠાવી લેવાયા પછી લોકલમાં પ્રવાસીઓની ગિરદી ધીમે ધીમે વધી રહી છે. આ ગિરદીનો ફાયદો ઉઠાવીને રીઢા ચોર લોકલમાં હાથસફાઈ કરવા માંડ્યા છે. કાર્યાલયમાંથી થાકીને પાછા ઘરે ફરતા પ્રવાસીઓની વસ્તુઓ ચોરવાની ઘટના વધી રહી છે. લગભગ સાંજે 6 થી 9 વાગ્યા વચ્ચે ચોરીઓ વધુ થતી હોવાનું મધ્ય રેલવે સુરક્ષા દળે કરેલા અભ્યાસ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
મોબાઈલની ચોરીનું પ્રમાણ સૌથી વધારે છે એમ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. લોકલમાં ગિરદીના સમયે પ્રવાસ કરતા, તેમ જ સ્ટેશનના પુલ પરથી જતા, પ્લેટફોર્મ પર ઊભા હોય ત્યારે પ્રવાસીઓના મોબાઈલ કે પર્સ કે બીજી વસ્તુઓની ચોરી થાય છે. થોડા દિવસ પહેલાં ચોર સાથે થયેલી ઝપાઝપીમાં ટ્રેનમાંથી નીચે પડી જતા બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. સાંજે ગિરદીના સમયે વધુ ચોરી થતી હોવાનું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
સુરક્ષા દળે 2021માં કરેલી કાર્યવાહીમાં મોબાઈલ સહિત પ્રવાસીઓના બીજા સામાનની ચોરીની કુલ 2 હજાર 308 ઘટનાઓ બની હતી જેમાંથી 26 ટકા એટલે 610 ચોરીની ઘટના સાંજે 6 થી રાતના 9 દરમિયાન બની હતી.ચોરીની સૌથી વધુ ઘટના સાંજે 7 થી 8 દરમિયાન બને છે જેમાં 252 ગુના દાખલ થયા છે. 199 ગુના સાંજે 6 થી 7 દરમિયાન બન્યા છે. મધ્ય રેલવેની લોકલમાં 2021માં રાત્રે 8 થી 9ના સમયમાં ચોરીના 159 પ્રકરણની નોંધ થઈ છે. સવારના સમયે ટ્રેનમાં ગિરદી હોય છતાં ચોરીની ઘટનાઓ સરખામણીએ ઓછી બને છે.
બપોરે ચોરીની ઘટનાઓ ઓછી
લોકલમાં 2021માં સવારના 9 થી 10 વચ્ચે ચોરીની કુલ 153 ઘટનાઓ, સવારના 8 થી 9 વચ્ચે 113 અને સવારના 10 થી 11 વચ્ચે 113 ઘટનાઓ બન્યાની નોંધ છે. સુરક્ષા દળે કરેલા અભ્યાસ અનુસાર ચોરીની ઘટનાઓ બપોરે પણ બને છે પણ એનું પ્રમાણ ઘણું ઓછું છે. બપોરના 12 થી 1 દરમિયાન મોબાઈલ ચોરીના 117 ગુના થયાનું જણાવવામાં આવ્યું છે. લગભગ 75 ટકા પ્રકરણ (2 હજાર 308 ગુના) લોકલ ટ્રેનમાં થયા છે અને 25 ટકા ગુના સ્ટેશન પરિસરમાં નોંધવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.