કાર્યવાહી:પરિણીતાએ આત્મહત્યા કર્યા બાદ સાસરિયાં પોઝિટિવ રિપોર્ટ લાવ્યા

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓટોપ્સી ટાળવા માટે સાસરિયાંએ કરેલું ગતકડું પોલીસે પકડી પાડ્યું

રાજ્યના બીડ જિલ્લામાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને 21 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. આંચકાજનક એ છે કે ઓટોપ્સીમાં વાસ્તવિકતા બહાર આવશે એવું ધારીને સાસરિયાંઓએ મૃતકનો કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ કઢાવ્યો હતો. જોકે પોલીસે તેમની ચોરી પકડી પાડી છે. પોલીસે આ અંગે મૃતકનાં સાસરિયાંના ચાર સભ્ય સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરીને બે જણની ધરપકડ કરી છે, જ્યારે બેની શોધ ચાલુ છે. પટોડા તાલુકાના ધનગર જાવાલકા ગામની રહેવાસી પૂજા ગણેશ રાયકરે દહેજ માટે પતિ અને તેના કુટુંબીઓ દ્વારા કરવામાં આવતી સતામણીને લઈને 19 મેના રોજ સેનિટાઈઝર ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી.

પીડિતાને અહમદનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબિયત વધુ લથડતાં પુણેની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પરંતુ બુધવાર 26 મેએ તેણે અંતિમ શ્વાસ લીધા હતા, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. પીડિતાનાં સાસરિયાંને જાણકારી હતી કે ઓટોપ્સી કરવામાં આવે તો પીડિતાએ ઝેરી પદાર્થનું સેવન કર્યું હોવાનું બહાર આવી જશે અને તેથી મૃત્યુનું કારણ છુવાવવા માટે નકલી કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ મેળવવાનું નક્કી કર્યું હતું.જોકે પીડિતાના પરિવારે કોવિડ-19ને લીધે પૂજાનું મૃત્યુ થયું હોવાનું માનવાનો ઈનકાર કરી દીધો હતો.

આ પછી વધુ એક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પીડિતાના પતિ ગણેશ રાયકર, સસરા શિવાજી, સાસુ વિજુબાઈ અને નકલી રિપોર્ટ મેળવી આપનાર સંબંધી નામદેવ સુકદે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ જાણકારી મળતાં જ બે આરોપી ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસે બે જણની ધરપકડ કરી છે.ૉ

અન્ય સમાચારો પણ છે...