ચર્ચા - વિચારણા:મેટ્રો-૩ના કારશેડને આરેને બદલે ગોરેગાવની પહાડી ખાતે ખસેડવાનો વિચાર

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરે કારશેડનું અડધું કામ થઈ ગયું છે

કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3ના આરે કારડેપોનું અડધું કામ થઈ ગયું છે ત્યારે હવે એને ગોરેગાવ પહાડી ખાતે ખાનગી જમીન પર સ્થળાંતર કરવાનું રાજ્ય સરકારે વિચાર્યું છે. નવી જગ્યાનો વિકલ્પ અજમાવી જોવાનો આદેશ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને આપ્યો છે.

શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ ઝાડો કાપવાનો વિરોધ કર્યો હતો
પર્યાવરણવાદીઓ અને શિવસેનાના વિરોધને કોરાણે મૂકીને દેવેન્દ્ર ફડણવીસ સરકારે આરેમાં જ કારશેડ ઊભું કરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય હરિત લવાદ અને સુપ્રીમ કોર્ટે પણ આ જ જગ્યા પર મંજૂરીની મહોર મારી એ પછી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને રાતોરાત આરેમાં ઝાડ કાપીને કારશેડ ઊભું કરવાના કામની શરૂઆત કરી હતી. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ ઝાડો કાપવાનો વિરોધ કર્યો હતો. તેથી મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ બીજા જ દિવસે 30 નવેમ્બર 2019ના મેટ્રો કારશેડના કામ પર સ્ટે આપ્યો અને વૈકલ્પિક જગ્યા શોધવા માટે નાણા વિભાગના અપર મુખ્ય સચિવ મનોજ સૌનિકની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની સ્થાપના કરી.

કોલોનીમાં કારશેડનું કામ કરતા ત્યાં 2100 ઝાડ કાપવા પહેલાં કાયદેસર પ્રક્રિયા કરવામાં આવી હતી કે નહીં
વૈકલ્પિક જગ્યાની શોધ લેનારી આ સમિતિમાં પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ, મુંબઈ રેલવે વિકાસ મહામંડળના વ્યવસ્થાપકીય સંચાલક, નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષકનો સમાવેશ હતો. મેટ્રો-3 પ્રકલ્પના કારશેડ માટે નક્કી કરેલી જગ્યાના બદલે પર્યાવરણની દષ્ટિએ યોગ્ય અને વાજબી કિંમતમાં વૈકલ્પિક જગ્યા ઉપલબ્ધ છે કે નહીં એનો અભ્યાસ કરવા સહિત આરે કોલોનીમાં કારશેડનું કામ કરતા ત્યાં 2100 ઝાડ કાપવા પહેલાં કાયદેસર પ્રક્રિયા કરવામાં આવી હતી કે નહીં એની તપાસ સમિતિને કરવા જણાવવામાં આવ્યું હતું. આ સમિતિએ જાન્યુઆરીમાં પોતાનો અહેવાલ મુખ્ય સચિવને રજૂ કર્યો હતો. પર્યાવરણવાદીઓએ કારશેડ માટે સૂચવેલા અન્ય વિકલ્પોની ટેકનિકલ, નાણાકીય તેમ જ પર્યાવરણની દષ્ટિએ પ્રકલ્પ માટે અડચણો હોવાનું અહેવાલમાં નોંધ્યું હતું. સમિતિએ આરેના બદલે ૯ જગ્યાઓનો અભ્યાસ કર્યો હતો.

અત્યારના કારશેડની જગ્યાએ જરૂર હતા એટલા જ ઝાડ કાપવામાં આવ્યા છે
પણ એકેય જગ્યા ઉપયોગી ન હોવાનો અભિપ્રાય અહેવાલમાં આપવામાં આવ્યો હોવાનું જણાય છે. બીજી વૈકલ્પિક જગ્યાઓનો વિચાર કરવાથી પ્રકલ્પની કિંમત વધશે અને સમયગાળો પણ દોઢથી બે વર્ષ વધશે. ઉપરાંત પર્યાવરણની પરવાનગીઓ મેળવવાની ઝંઝટ થશે એમ સમિતિએ નોંધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્યારના કારશેડની જગ્યાએ જરૂર હતા એટલા જ ઝાડ કાપવામાં આવ્યા છે. તમામ પરવાનગીઓ મળેલી છે. કારશેડનું ઘણું કામ થઈ ચૂક્યું છે એમ જણાવતા કારશેડ બાબતે અંતિમ નિર્ણય સરકારે લેવો એમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું જોકે આ અહેવાલ સરકાર માટે ફરજિયાત નથી, કારશેડ બાબતે મુખ્યમંત્રી જ અંતિમ નિર્ણય લેશે એવી ભૂમિકા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...