મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની જનરલ હોસ્પિટલના સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટમાં લાગેલી આગે 10 નવજાત શિશુઓનો ભોગ લીધો તેમાં સરકારી વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે. આઠ મહિના પૂર્વે હોસ્પિટલ પ્રશાસને અગ્નિશમન યંત્રણા ગોઠવવા માટે આરોગ્ય સેવા વિભાગને પત્ર લખ્યો હતો, પરંતુ તેની પર કોઈ પગલાં લેવાયાં નહોતાં. આથી શું વિભાગ આવી પ્રાણઘાતક દુર્ઘટનાની વાટ જોતો હતો કે કેમ એવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે.
ભંડારાના ઉપસંચાલક, આરોગ્ય સેવા, નાગપુર મંડળ દ્વારા 8 મે, 2020ના રોજ સહ-સંચાલક, આરોગ્ય સેવા, હોસ્પિટલ (રાજ્ય સ્તર), સંચાલનાલયને હોસ્પિટલમાં અગ્નિશમન યંત્રણાની વ્યવસ્થા નહીં હોવા અંગે પત્ર લખ્યો હતો. ખાસ કરીને આ યંત્રણા નહીં હોવાનો મુદ્દો વારંવાર ઊછળ્યા પછી આ પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે પ્રતિબંધક ઉપાયયોજના કરવા માટે સલાહકાર મારફત સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.આ માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સાર્વજનિક બાંધકામ વિદ્યુત વિભાગ નાગપુરે રૂ. 1,52,44,783નો ખર્ચ સૂચવ્યો હતો. પ્લાન પણ આપ્યો હતો. જોકે વિભાગે આ પત્ર પર કોઈ નિર્ણય લીધો નહોતો. આખરે શુક્રવારે રાત્રે મોટી દુર્ઘટનામાં ભૂલકાંઓનો ભોગ લેવાયો હતો.
શુક્રવારની મધરાતે લગભગ 2 વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ યુનિટમાં કુલ 17 નવજાત શિશુઓ હતા. એમાંથી 7 બાળકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. ધુમાડાથી ગૂંગળાઈને 7 શિશુઓનાં મૃત્યુ થયાં તો 3 શિશુઓના દાઝી જવાથી મૃત્યુ થયાં હતાં. હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના રાતના લગભગ 2 વાગ્યે બની. નર્સે દરવાજો ખોલ્યો ત્યારે વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયેલો જોયો. એણે સીનિયર ડોકટરોને માહિતી આપી. કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું પણ ત્યાં સુધી 10 બાળકો જીવ ગુમાવી ચૂક્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.