હુકમ:બેઘર નાગરિકોને MMRDAના ઘર આપવાનું હાઈકોર્ટે નકાર્યું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હ્રષ્ટપુષ્ટ હોવા છતાં કામ ન કરતા લોકોને મફત ઘર આપી શકાય નહીં

એમએમઆરડીએએ પ્રકલ્પગ્રસ્તો માટે અનામત રાખેલા 19,000 ઘર શહેરના બેઘર અને ફૂટપાથ પર રહેતા લોકોને હંમેશા માટે આપવાની માગણી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. હ્રષ્ટપુષ્ટ હોવા છતાં કંઈ જ કામ ન કરતા લોકોને આવી રીતે મફત ઘર આપી શકાય નહીં એમ પણ કોર્ટે જણાવ્યું હતું. મુંબઈની ફૂટપાથો પર રહેતા લોકોને હંમેશા માટે માથા પર છાપરું આપવાની માગણી માટે બેઘર શહેરી ફાઉન્ડેશન નામની એનજીઓએ જનહિત અરજી કરી હતી. પણ આ ઘર પ્રકલ્પગ્રસ્તો માટે અનામત હોવાનું જણાવતા રાજ્ય સરકારે આ માગણીનો વિરોધ કર્યો હતો. કોર્ટે પણ ફૂટપાથો પર રહેતા લોકોને ઘર આપવાનો નિર્દેશ આપી શકાય નહીં એમ સ્પષ્ટ કર્યું હતું.

આવા બેઘર નાગરિકોને કાયમીસ્વરૂપી નિવાસ ઉપલબ્ધ કરવાની માગણી અરજદાર તરફથી કેવી રીતે કરી શકાય એવો પ્રશ્ન મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે કર્યો હતો. જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું સાચા અર્થમાં ઉલ્લંઘન થતું હોય તેમને આ રીતે સંરક્ષણ આપી શકાય છે. જોકે આ પ્રકરણ બેઘર લોકોની શ્રેણીમાં આવી ન શકે એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. એ સમયે આવા નાગરિકોને મફત ઘર આપવામાં આવે તો આ લોકો ઘર છોડીને નહીં જાય એવી લેખિત ખાતરી અરજદાર આપશે કે એવો પ્રશ્ન કોર્ટે કર્યો હતો.

અરજદાર તરફથી જવાબમાં ના મળતા આવા નાગરિકો ફૂટપાથ પર શા માટે રહે છે એની વિગતો રજૂ કરવાનો આદેશ અરજદારને આપ્યો હતો. પુનર્વસન યોજનાનો દુરુપયોગ : છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈની લગભગ બધી જ ફૂટપાથો પર અતિક્રમણ થયું છે. તેમ જ કોઈ ફૂટપાથ પર દેખાય એટલે તેને કાયમીસ્વરૂપી ઘર આપવાની માગણી કરી શકાય નહીં.

ઉપરાંત આવા નાગરિકોના પુનર્વસન તરીકે મફત ઘર આપવામાં આવે તો આ લોકો એકબે વર્ષમાં ઘર વેચીને ફરીથી ઝૂપડપટ્ટીમાં રહેવા જાય છે. કેટલાક નાગરિકો બનાવટી કાગળપત્રોની મદદથી એક જ કુટુંબના અનેક જણના નામ પર આવા ઘર મેળવે છે. રાજ્ય સરકારની પુનર્વસન યોજનાનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવે છે એવો મત કોર્ટે વ્યક્ત કર્યો હતો.

અરજદાર શું જણાવે છે?
ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત ઝૂપડાધારકોનું પુનર્વસન કરવામાં આવે છે. એ જ પ્રમાણે ફૂટપાથો પર રહેતા બેઘર લોકોને પણ સરકારી યંત્રણાઓએ કાયમીસ્વરૂપી નિવાસ ઉપલબ્ધ કરી આપવો. ઉપરાંત એમએમઆરડીએએ પ્રકલ્પગ્રસ્તો માટે બાંધેલા 19,000 ઘર આમ જ પડી રહ્યા હોવા પર કોર્ટનું ધ્યાન ખેંચતા આ ઘર ફૂટપાથ પર રહેતા બેઘર લોકો માટે ઉપલબ્ધ કરવાની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...