તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મણીભવનનો હેરિટેજ વોક શરૂ થશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેરિટેજ લૂકવાળી એક કિલોમીટરની ફૂટપાથ પણ તૈયાર કરવામાં આવશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિવાસથી પાવન થયેલ અને સ્વતંત્રતાની લડાઈના સાક્ષી એવા મણીભવન અને ઓગસ્ટ ક્રાંતિ મેદાન તથા અન્ય ઐતિહાસિક સ્મારકોનો હેરિટેજ વોક મુંબઈગરાઓ અને પર્યટકોને ટૂંક સમયમાં માણવા મળશે.

ગ્રાન્ટ રોડના પંડિતા રમાબાઈ રોડ ખાતેથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી આ હેરિટેજ વોક હશે. આ મહત્વકાંક્ષી ઉપક્રમ માટે મહાપાલિકા હેરિટેજ લૂકવાળી એક કિલોમીટરની ફૂટપાથ પણ તૈયાર કરશે. ડી વોર્ડના સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે આ માહિતી આપી હતી.

મહાપાલિકાના માધ્યમથી મુંબઈની સ્વચ્છતા અને સુંદરતા વધારવા માટે અનેક ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. એમાં મજબૂત રસ્તા, આકર્ષક ફૂટપાથ, ટ્રાફિક આઈલેન્ડનું સૌંદર્યીકરણ કરવામાં આવે છે. ઉપરાંત દેશી-વિદેશી પર્યટકો માટે હેરિટેજ સ્થાપત્યોની ટ્રીપનું આયોજન કરવાનો ઉપક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

ફોર્ટ ખાતેના હેરિટેજ મહાપાલિકા મુખ્યાલયમાં પણ હેરિટેજ વોક શરૂ કરવામાં આવ્યો છે. એના પગલે ડી વોર્ડમાં હેરિટેજ વોક ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. દરમિયાન મણીભવન સહિત ઐતિહાસિક સ્મારકોવાળા આ પરિસરના રસ્તાઓ અત્યારે ખરાબ થયા છે. તેથી મહાપાલિકાના માધ્યમથી સૌંદર્યીકરણ અને સુધારાઓ કરીને અમલમાં મૂકવામાં આવનાર ઉપક્રમ મુંબઈના પર્યટનમાં ઉમેરો કરશે. પંડિત રમાબાઈ રોડથી ચાલુ થતી ફૂટપાથ સિમેન્ટ-કોંક્રિટની બનાવવામાં આવશે. આ ફૂટપાથને હેરિટેજ સ્થાપત્ય પથ્થરોનું સ્વરૂપ આપવામાં આવશે. ફૂટપાથની બંને તરફ સુશોભીકરણ, લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. ફૂટપાથની લંબાઈ 1 કિલોમીટર અને પહોળાઈ જરૂરિયાત અનુસાર 2 થી 3.5 કિલોમીટર હશે. આ કામ માટે મહાપાલિકા લગભગ રૂ. 2 કરોડનો ખર્ચ કરશે.

આટલાં સ્મારકો
આ હેરિટેજ વોકમાં મહાત્મા ગાંધી રહ્યા હતા એ મણીભવન, મુંબઈની છોકરીઓ માટેની પ્રથમ સ્કૂલ એટલે કે સેંટ કોલંબા સ્કૂલ, પંડિતા રમાબાઈ હોસ્ટેલ, છોકરીઓ માટેની પ્રથમ આર્ય મહિલા સમાજ હોસ્ટેલ અને સ્વતંત્રતાની લડાઈના સાક્ષી ઓગસ્ટ ક્રાંતી મેદાનનો સમાવેશ હશે.

અન્ય સમાચારો પણ છે...