તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હેન્કોક પુલ હવે નવેમ્બર 2021થી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષથી રખડી પડેલા રેલવેના પાટાની ઉપર આવતા પુલ પર ગર્ડર નાખવાનું કામ હવે પૂરું થયું

પાંચ વર્ષથી રખડી પડેલા હેન્કોક પુલનું રેલવે પાટાનું કામ પૂરું થયું છે. રેલવે પાટા પર આવતા પુલ પર ગર્ડર નાખવાનું કામ મહાપાલિકા તરફથી 6 જૂનના કરવામાં આવ્યું હતુ. એના માટે મધ્ય રેલવેમાં લગભગ પાંચ કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો. એ પછી અન્ય કામ પૂરા કરીને નવેમ્બર ૨૦૨૧થી પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

સેંડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક હેન્કોક પુલ 1879માં બાંધવામાં આવ્યો હતો. આ પુલ જોખમકારક થઈ જવાથી 2016માં તોડી પાડવામાં આવ્યો હતો. એ પછી મહાપાલિકાએ પુલનું કામ શરૂ કર્યું હતું. પુલના અભાવે આ પરિસરના નાગરિકોને રેલવે પાટાની સામેની તરફ જવા માટે મોટો આંટો મારવો પડતો હતો. તેથી પુલ ઝટ બાંધવામાં આવે એવી માગણી સ્થાનિકોએ કરી હતી. મહાપાલિકા પ્રશાસને પહેલાં ટેંડર કાઢીને જે કોન્ટ્રેકટર નિમ્યો હતો એ ભ્રષ્ટાચારમાં દોષી નીકળ્યો. તેથી આ પ્રકરણે જનહિત અરજી દાખલ કરવામાં આવી. કોર્ટે આ કોન્ટ્રેકટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. તેથી મહાપાલિકાએ ફરીથી ટેંડર કાઢવાની પ્રક્રિયા કરવી પડી.

ફેબ્રુઆરી 2018માં આ પુલનું કામ શરૂ થયું. પણ આ કામમાં પાઈપલાઈન, ઈલેકટ્રીક લાઈન, રેલવેની જગ્યામાં અતિક્રમણ વગેરે અડચણોને લીધે કામ ઝડપથી થતું નહોતું. વિવિધ અડચણોને કારણે પુલનું કામ રખડી પડ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી પુલ બંધ છે. દરમિયાન પુલ પર એક ગર્ડર લગાડવાનું કામ ગયા વર્ષે જુલાઈમાં કરવામાં આવ્યું. બીજો ગર્ડર લગાડવાનું કામ રવિવાર 6 જૂનના પૂરું કરવામાં આવ્યું.

બન્ને બાજુ રસ્તાનો પ્રશ્ન વિલંબિત રહ્યો
હેન્કોક પુલની બંને બાજુએ 90 ફૂટ પહોળો રસ્તો બાંધવામાં આવશે. પહેલાંનો રસ્તો એના કરતા સાંકડો હતો. આ પ્રસ્તાવિત રસ્તા માટે જમીન અધિગ્રહણ કરવી પડશે. રસ્તામાં રેસિડેન્સિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો તોડવી પડશે. પણ સ્થાનિકોનો એ માટે વિરોધ છે. અત્યારે મહાપાલિકાના તાબામાં થોડી જમીન આવી છે પણ વધુ જમીન આવવાની બાકી છે.

પરિણામ રેલવે માર્ગ પરના ગર્ડરનું કામ પૂરું થવા છતાં પુલની આગળના રસ્તાનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ પ્રશ્નના ઉકેલ બાદ અન્ય કામ પૂરા કરીને પુલ નવેમ્બરથી ખુલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...