પ્રસ્તાવ:જુહુ એરપોર્ટ પર ઝૂંપડાંઓનો સરકાર પુનઃવિકાસ ઈચ્છે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો

જુહુ એરપોર્ટ પર ઝૂંપડાંઓનો રાજ્ય સરકાર પુનઃવિકાસ કરવા માગે છે. હવાઈ કામગીરી માટે આવશ્યક નથી એવી એરપોર્ટની 50 ટકા જમીન સરકાર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય પાસેથી લેવા માગે છે અને તેની સામે ઝૂંપડાંમુક્ત કરીને તેમાંથી 50 ટકા જમીન એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આપશે. આવો પ્રસ્તાવ કેન્દ્રને મોકલવામાં આવ્યો છે, એવી માહિતી ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે આપી છે.નોંધનીય છે કે 2018માં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે અનામત રાજ્ય સરકારે રદ કર્યું હતું અને 2034ના શહેરના ડેવલપમેન્ટ પ્લાનમાં એરપોર્ટ માટે આરક્ષણ પુનઃસ્થાપિત કર્યું છે.

મે 2016માં ઝૂંપડાં પુનર્વસન પ્રશાસન (એસઆરએ) દ્વારા એરપોર્ટની જમીનનું બાયોમેટ્રિક સર્વેક્ષણ હાથ ધરવા માટે પરવાનગી માગવામાં આવી હતી. એસઆરએના સીઈઓને બે અલગ અલગ પત્રો પાઠવીને એએઆઈ દ્વારા જુહુ એરપોર્ટ ખાતે મોજૂદ ઝૂંપડાંઓના પુનર્વસન પર વ્યવહારુતાનું અધ્યયન કરવા માટે સંમતિ આપવામાં આવી હતી.

એએઆઈ દ્વારા આ જ જમીન પર પુનર્વસનનો વિરોધ છે, કારણ કે તેનાથી એરપોર્ટની કામગીરીના ક્ષેત્રની આસપાસ સુરક્ષા અને સલામતીને અસર થઈ શકે છે. એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની સુરક્ષિત અને સંરક્ષિત કામગીરી માટે એરપોર્ટમાં અને આસપાસ અવરોધમુક્ત જમીન બહુ જરૂરી છે, એમ એએઆઈનું કહેવું છે.

આ ઝૂંપડાંવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની જમીન પર પુનઃવસન કરવા માટે કેન્દ્રીય મંત્રાલયે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેથી ટૂંક સમયમાં જ આવ્હાડ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને આ સંબંધમાં મળવાના છે.દરમિયાન કફ પરેડની ઝૂંપડપટ્ટીઓને મ્હાડા અને એસઆરએ દ્વારા હવે સંયુક્ત રીતે પુનઃવિકસિત કરાશે. સરકાર 256 ઠપ યોજનાઓ ફરીથી શરૂ કરવા માટે અભયયોજનાની પણ ટૂંક સમયમાં ઘોષણા કરશે.

અન્ય સમાચારો પણ છે...