ભાસ્કર વિશેષ:રાણીબાગના દરવાજા 1 નવે.થી બધા માટે ખુલશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે જો નાગરિકોની ગિરદી થશે તો ગેટ બંધ કરવામાં આવશે

ે છેલ્લા દોઢ વર્ષથી બંધ ભાયખલાનું રાણીબાગ આખરે 1 નવેમ્બરથી બધા માટે ખુલશે. આ બાબતે ઉદ્યાન પ્રશાસન તરફથી તકેદારી માટે જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને રૂપરેખા પણ બનાવવામાં આવી છે. રાણીબાગમાં માસ્ક વિના પ્રવેશ આપવામાં નહીં આવે અને ગિરદી થશે તો ગેટ બંધ કરવામાં આવશે એવી માહિતી સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ આપી હતી.

મુંબઈમાં ગયા વર્ષે કોરોનાનો પ્રવેશ થયો હતો. એ પછી થોડા જ દિવસોમાં ઝડપથી દર્દીઓની સંખ્યા વધી હતી. 23 માર્ચ 2020થી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. તેથી રાણીબાગ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું હતું. એ પછી કોરોનાની પહેલી લહેર ઓસર્યા બાદ ફરીથી 15 ફેબ્રુઆરી 2021ના તકેદારી લઈને પર્યટકો માટે રાણીબાગ ખોલવામાં આવ્યું. પણ કોરોનાની બીજી લહેર આવવાથી 4 એપ્રિલથી ફરી રાણીબાગના દરવાજા બંધ થયા. જોકે હવે કોરોનાની બીજી લહેર પૂર્ણ નિયંત્રણમાં આવી હોવાથી અનેક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે.

રાણીબાગ ક્યારે શરૂ થશે એની રાહ પર્યટકો જોઈ રહ્યા હતા. હાલ ત્રીજી લહેર નથી છતાં દરરોજ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા હોવાથી થોડા દિવસ પછી એટલે કે 1 નવેમ્બરથી રાણીબાગ શરૂ કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે એમ ડો ત્રિપાઠીએ ઉમેર્યું હતું.

રાણીબાગનો પરિસર અને ખુલ્લી જગ્યા જોતા દિવસે 10 હજાર પર્યટકો આવે તો તબક્કાવાર પ્રવેશ આપતા ગિરદી નહીં થાય. ગિરદી પર નિયંત્રણ અને પર્યટકોનું માર્ગદર્શન કરવા માટે 40 સુરક્ષારક્ષકોની ટીમ તૈનાત કરવામાં આવશે. ઠેકઠેકાણે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રાણીઓનું નિવાસસ્થાન કાચથી બંધ હોવાથી નજીકનો સંપર્ક ટળશે. માસ્ક વિના પ્રવેશ આપવામાં નહીં આવે. રસીના બે ડોઝ લેનારાને અગ્રતા આપવામાં આવશે. ગિરદી થશે તો ગેટ બંધ કરવામાં આવશે.

દરરોજ દોઢ લાખનું નુકસાન
રાણીબાગમાં છેલ્લા થોડા વર્ષોમાં પેંગ્વિન સહિત અનેક પ્રાણી-પક્ષીઓ લાવવાથી પર્યટકોની સંખ્યા વધી છે. દરરોજ પાંચથી છ હજાર પર્યટકો આવે છે અને રજાના દિવસોમાં 12 થી 15 હજાર પર્યટકો આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આ સંખ્યા વધી રહી છે. પર્યટકો વધવાથી રાણીબાગને દરરોજ દોઢ લાખ રૂપિયા, મહિને 45 લાખ અને વર્ષે 8 થી 10 કરોડ રૂપિયાની આવક થાય છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી રાણીબાગ બંધ હોવાથી દરરોજ દોઢ લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેથી રાણીબાગ ફરીથી શરૂ થશે તો મહાપાલિકાની આવક ફરીથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...