નિર્ણય:મુંબઈ મેટ્રો 2-એ અને 7ના દરવાજા યાત્રીઓ માટે ઓક્ટોબરમાં ખૂલશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે અંધેરી અને દહિસર વચ્ચેના આ બંને માર્ગો પર ટ્રાયલ રનને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેે લીલી ઝંડી બતાવશે
  • કોરોનાકાળમાં લેબર અને ઔદ્યોગિક ઓક્સિજનની અછતના પડકાર

એમએમઆરડીએ દ્વારા બનાવવામાં આવી રહેલી મુંબઈ મેટ્રો 2-એ અને 7નો ટ્રાયલ રન સોમવારે શરૂ થશે. બહુપ્રતિક્ષિત મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ સુધી મેટ્રો 2-એ અને દહિસરથી ડી એન નગર સુધી પ્રથમ તબક્કાના ટ્રાયલ રનને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને હસ્તે લીલી ઝંડી બતાવવામાં આવશે. શુક્રવારે આ રૂટના આકુર્લી મેટ્રો સ્ટેશન પર તૈયારીઓનું નિરીક્ષણ કરીને એમએમઆરડીએના કમિશનર આર એ રાજીવે જણાવ્યું કે કોરોનાના સંકટ વચ્ચે છેલ્લાલ લગભગ દોઢ વર્ષથી કામ પર બહુ અસર થઈ છે.

આમ છતાં વિપરીત પરિસ્થિતિઓમાં કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. મેટ્રો લાઈન 2-એ પર દહિસરથી કામરાજ નગર અને ડેપોની લૂપલાઈન સુધી ઓવરહેડ વાયર ચાર્જનું ટ્રાયલ સફળતાથી કરવામાં આવ્યું છે. કમિશનરે જણાવ્યું કે 20 કિમી લાંબી આ મેટ્રો લાઈન પર 4 મહિના સુધી ટ્રાયલ રન થશે. આ સાથે સર્વ ટેક્નિકલ પાંચ પરીક્ષણ સાથે રેલવે સેફ્ટી કમિશનરની એનઓસી પછી ઓક્ટોબરમાં યાત્રીઓ માટે મેટ્રોના દરવાજા ખોલવામાં આવશે. ઉપરાંત બીજા તબક્કાની મેટ્રોની શરૂઆત જાન્યુઆરી 2022માં કરાશે.

પ્રોજેક્ટની શરૂઆત કઈ રીતે થઈ : ઓક્ટોબર 2015માં મંજૂરી મળી હતી. 11 ઓક્ટોબર, 2015ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું હતું. મે 2016માં ટેન્ડર અપાયાં અને કામ શરૂ કરાયું. 2020માં ચારકોપ ડેપો તૈયાર કરાયો હતો. બંને મેટ્રો લાઈનની કુલ લંબાઈ 35.1 કિમી છે. તેમાં મેટ્રો લાઈન 2-એની લંબાઈ 18.60 કિમી અને મેટ્રો-7ની લંબાઈ 16.5 કિમી છે.

મેક ઈન ઈન્ડિયા ડ્રાઈવરલેસ મેટ્રો : બીઈએમએલે પહેલી વાર મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ડ્રાઈવરલેસ સ્વદેશી મેટ્રો રેક વિકસિત કરી છે. મુંબઈમાં ટ્રાયલ રન માટે પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો રેક ઉપલબ્ધ છે. ઉપરાંત 10 વધુ રેક તૈયાર કરાશે. એપોર્ટના ટર્મિનલ 1 અને 2 માટે ભૂમિગત માર્ગનું નિર્માણનું ભૂમિપૂજન પણ સોમવારે થશે. ઉપરાંત ભિવંડીના રાજનોલી અને કલ્યાણના દુર્ગાડી પુલનું વર્ચ્યુઅલ ઉદઘાટન પણ કરાશે.

રૂ. 12,000 કરોડનું રોકાણ
રાજીવ અનુસાર આ પ્રોજેક્ટમાં લગભગ રૂ. 12,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. હમણાં સુધી રૂ. 6000 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. રોલિંગ સ્ટોક ઉપરાંત સ્ટેશનોનાં સિવિલ વર્કનાં કામો પણ ચાલી રહ્યાં છે. કમિશનરે જણાવ્યું કે વેસ્ટર્ન એક્સપ્રેસ પર ભારે ટ્રાફિકની લીધે મેટ્રો 2-એ અને 7નાં કામમાં ઘણા અવરોધ આવ્યા હતા. જોકે આમ છથાં અંદાજિત કરતાં ખર્ચ વધશે નહીં. કોરોનાને લીધે લેબરની સમસ્યા આવી છે. 2020 અને 2021માં હમણાં સુધી કામ બરોબર થઈ શક્યું છે. માર્ચમાં જ ટ્રાયલ થવાનો હતો, પરંતુ બે મહિનાનો વિલંબ થયો છે.

ઓક્સિજન નહીં મળતાં વેલ્ડિંગ રખડ્યું
દરમિયાન કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો ઓછો પડતાં ઔદ્યોગિક કામો માટે ઓક્સિજનનો પુરવઠો આખા દેશમાં બંધ કરાયો હતો, જેની અસર મુંબઈ મેટ્રોનાં કામો પર પણ થઈ હતી. ખાસ કરીને વેલ્ડિંગનાં કામો રખડી પડ્યાં હતાં. આથી મેટ્રો પ્રશાસને પ્લાઝમા મશીનનો ઉપયોગ કરીને આ કામ પૂરાં કર્યાં હતાં. જોકે ઓક્સિજનને અભાવે કામમાં વિલંબ થઈ રહ્યો છે તે નિશ્ચિત છે.

અન્ય સમાચારો પણ છે...