તપાસ:ઠાકરેના ભૂતપૂર્વ સલાહકારના ફ્લેટને આઈટીએ ટાંચમાં લીધો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેનામી લેણદેણ માટે અજોય મહેતાનો ફ્લેટ ITની તપાસ હેઠળ હતો

ઈન્કમટેક્સ (આઈટી) વિભાગ દ્વારા મુક્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ભૂતપૂર્વ સલાહકાર અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અજોય મહેતાનો નરીમાન પોઈન્ટ ખાતેનો ફ્લેટ પ્રતિબંધાત્મક બેનામી મિલકત લેણદેણ ધારા 1988 હેઠળ ટાંચમાં લેવામાં આવ્યો છે. મહેતાની ફેબ્રુઆરીમાં મહારેરાના ચેરમેન તરીકે પણ નિયુક્તિ કરવામાં આવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે પુણે સ્થિત વેપારી અવિનાશ ભોસલે ફ્લેટનો લાભાર્થી માલિક હતો. મહેતાએ મિલકત બેનામી હોવાની જાણકારી છતાં લેણદેણ કરી હતી.

ફ્લેટનું મૂલ્ય રૂ. 10.62 કરોડ છે, જે શેલ કંપની અનામિત્ર પ્રોપર્ટીઝ પ્રા. લિ. દ્વારા 2020માં રૂ. 5.33 કરોડમાં વેચવામાં આવ્યો હતો. આ કંપનીના માલિકોને કંપની દ્વારા ખરીદી કરાયેલા તેના શેરો કે કોઈ મિલકત વિશે કોઈ જાણકારી નહોતી. કંપનીના 99 ટકા શેરહોલ્ડર તરીકે કમલેશ નાથાની સિંહને ઓળખી કાઢવામાં આવ્યો છે, જે મુંબઈનાં પશ્ચિમી પરાંમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે અને ક્યારેય આઈટી રિટર્ન ભર્યું નહોતું. એક ટકો શેરહોલ્ડર દીપેશ રવીંદ્ર સાટમ છે, જેણે ફક્ત નાણાકીય વર્ષ 2020-21માં એક વખત રૂ. 1.72 લાખની વાર્ષિક આવક માટે રિટર્ન ખ્યું હતું.

દરમિયાન મહેતા મહાપાલિકાના કમિશનર હતા ત્યારે અવિનાશ ભોસલેને જેવીએલઆરથી મહાકાલી કેવ્ઝને જોડતા મોજૂદ 30 ફૂટ રસ્તાના વિકાસના અધિકાર આપવાના પ્રસ્તાવનેટેકો આપવામાં આવ્યો હતો કે કેમ તેની પણ આઈટી તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં ભોસલે અને મહેતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તેમનો લેખિત જવાબ મોકલી દીધો હતો.

આ રીતે શેર ટ્રાન્સફરકર્યા
ફ્લેટના શેર ભોસલેની સૂચનાથી નિખિલ ગોખલે દ્વારા ધરાવાતા હતા અને પછી મહેતાને નામે કરાયા હતા. ગોખલે અવિનાશનો ભાણેજ છે. ગોખલે અગાઉ અનામિત્રા પ્રોપર્ટીઝનો ડાયરેક્ટર હતો. તપાસમાં એવું બહાર આવ્યું છે કે ગોખલેએ 2018માં કંપનાના ડાયરેક્ટર તરીકે વિદ્યાધર મિરજકરને નિયુક્ત કરાયા હતા. ગોખલે ભોસલે માટે કામ કરતો હતો અને ભોસલેની એબીઆઈએલ ગ્રુપ અને સંબંધિત કંપનીઓની આશરે 21 કંપનીઓનો ડાયરેક્ટર હતો, જેમાંથી 15 કંપનીઓનું કોઈ કામકાજ નહોતું, એમ આઈટીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...