પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ:અલૌકિક ક્ષમતા ધરાવતા યુગપ્રધાન મહાપુરુષ ‘શ્રીમદ્દ રાજચંદ્ર’ની અકલ્પનીય સત્યકથા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી ફિલ્મ “શ્રીમદ્દ રાજચંદ્ર” ૧૯ નવેમ્બર, ૨૦૨૧ થી રજૂ થશે. શ્રીધર કાકડેએ આધુનિક 3D એનિમેશન વિઝ્યુઅલ્સનો (દ્રશ્યોનો) એમાં ઉપયોગ કર્યો છે, જ્યારે ધરમ ભટ્ટે સંગીત પીરસ્યું છે. અમર બાબરિયા અને સુભવ ખેરે પ્રભાવિક અવાજથી વર્ણન (નેરેશન) કર્યું છે, તો પ્રશાંત મઝુમદારે સુરિલા કર્ણપ્રિય સુર આપ્યા છે. આત્માર્થ પ્રોડક્શન્સ અને ભક્તિ ટ્રસ્ટે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે ભૈરવ કોઠારી એના નિર્દેશક છે. આ ફિલ્મને બનતાં ૮ વર્ષ લાગ્યાં છે.

ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ૧૯ નવેમ્બર, ૨૦૨૧થી રજૂ થશે.બાળ અવસ્થામાં “લક્ષ્મીનંદન” થી લઈને “શ્રીમદ્દ રાજચંદ્ર” સુધીની આધ્યાત્મિક સફરને આમાં વણી લેવામાં આવી છે. ફિલ્મમાં આ મહાપુરુષની ૫૫ હૃદયસ્પર્શી ઘટનાઓને વર્ણવવામાં આવી છે. તેમના પ્રભાવમાં મહાત્મા ગાંધીજી અને શ્રી જમશેદજી ટાટાથી લઈ લાખો લોકો આવ્યા છે અને એવા કેટલાક પ્રસંગોનો આ ફિલ્મમાં સમાવેશ થયેલ છે. બાળપણથી યુવાની સુધીના શ્રીમદ્દજીના ૨૦૦થી વિશેષ મોડેલ્સ તૈયાર કરાયા હતા તેમાંથી સંશોધન કરીને ભાવાત્મક સ્વરૂપ આપ્યું છે.

ભૈરવ કોઠારી કહે છે, ‘નવી પેઢીને જીવન જીવવાનો નવો દષ્ટિકોણ મળે એ અર્થે શરૂઆતમાં શ્રીમદ્દ રાજચંદ્રજીની જીવનકથા પર સરળ ઓડિયો- વિઝ્યુઅલ ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. પણ સમય જતાં ઉત્સાહ વધતો જતો હોવાથી એક ભવ્યાતિભવ્ય સ્વરૂપ આપવાનો નિર્ધાર કર્યો. આ પરિણામ લાવવામાં અઢી લાખ માનવ કલાકો અને ૪૫ લાખ કમ્પ્યુટર કલાકોનો સમય ગયો છે, સાથે સેંકડો પડકારોનો સામનો કરવો પડ્યો છે’ ભૈરવ કોઠારી જણાવે છે કે ‘મને તો આ એક ઉત્કૃષ્ટ તક મળી છે, આ એક ફિલ્મ નથી પણ મારા જીવનકાળની સુંદર ભેટ છે’

જૂનાં ચિત્રોમાંથી બાંધકામના મોડેલ
એનિમેશન નિર્દેશક શ્રીધર કાકડેએ કહે છે કે ‘જૂના ચિત્રો-તસવીરોમાંથી બાંધકામોના મોડેલ પુન: તૈયાર કરવા એ એક મોટો પડકાર હતો. અમે ૩૫૦થી વધુ કેરેક્ટરોના મોડેલ્સ તથા ૧૦૦થી વધુ બાંધકામના મોડેલ્સ બનાવ્યા હતા.