તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:મહિલા ડોક્ટરે દર્દીઓને સેવા માટે લગ્ન તોડી નાખ્યાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે તારીખ પાછળ ઠેલવા છોકરાવાળા સંમત નહીં થતાં નિર્ણય

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા તબીબે તેની ફરજો અને દર્દીઓની સેવા માટે તેનાં લગ્ન તોડી નાખ્યાં છે. નાગપુરની સેન્ટ્રલ ઈન્ડિયા કાર્ડિયોલોજી હોસ્પિટલમાં ચિકિત્સક તરીકે કાર્યરત અપૂર્વા મંગલાગિરિનાં લગ્ન 26 એપ્રિલના રોજ થવાનાં હતાં, પરંતુ કોરોનાનું વધતું જોખમ અને આ સ્થિતિમાં ફરજને અગ્રતાને ધ્યાનમાં લેતાં અપૂર્વાએ લગ્નની તારીખ પાછળ ઠેલવા કહ્યું, પરંતુ છોકરાવાળાઓ સંમત નહોતા. આથી અપૂર્વાએ લગ્ન કરવાની ના પાડી દીધી. તેનું કહેવું છે કે હાલમાં કોરોના દર્દીઓની સેવા એ સૌથી મોટો ધર્મ છે. અન્યો માટે તો આખી જિંદગી છે.

અપૂર્વાએ કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાને કારણે તેના પિતાનું અવસાન થયું હતું. તેણે કહ્યું, ‘હું આવા પરિવારની લાચારી અને પીડાને સમજી શકું છું. મને દરરોજ જરૂરિયાતમંદોના કોલ આવે છે, તેઓ પલંગથી ઓક્સિજન સુધીની સહાય માટે કહે છે. સલાહકાર ચિકિત્સક તરીકે, મને દિવસમાં ઘણા ફોન આવે છે. લોકો હતાશ અને ગુસ્સામાં મારી સાથે વાત કરે છે. તેઓ પલંગ અને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા માટે મારી સામે હાથ જોડે છે.

અપૂર્વા કહે છે કે કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં ડોકટરોની ભારે અછત છે. હું માત્ર કોવિડ દર્દીઓની સહાય માટે દરેક મિનિટ આપું છું. લગ્ન તોડવાના નિર્ણય અંગે અપૂર્વાએ કહ્યું, આ નિર્ણય મુશ્કેલ હતો, તે ભવિષ્યમાં ખોટો પણ સાબિત થઈ શકે છે, પરંતુ હાલના સમય પ્રમાણે મેં મુશ્કેલ નિર્ણય લીધો છે.

અપૂર્વાએ વધુમાં કહ્યું કે,’આ રોગચાળાની વચ્ચે અમને હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, વેન્ટિલેટર, ડોકટરો અને નર્સની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હું ઇચ્છતી નહોતી કે મારાં લગ્નને કારણે હું મારી ફરજમાંથી મેરેજ માટે રજા લઉ.

ડોક્ટરનો પરિવાર પણ નિર્ણયની પડખે
અપૂર્વાનો આખો પરિવાર તેના આ નિર્ણયની પડખે ઊભો રહ્યો છે. તેઓ ગર્વ મહેસૂસ કરે છે. અપૂર્વાએ કહ્યું, ‘10 દિવસ પહેલાં જ મેં લગ્ન કરવાનો વિચાર છોડી દીધો હતો. મારા દર્દીઓને મારી જરૂર છે અને મારા મનમાં તે જ ચાલતું હતું. મેં આ અંગે ઘરે ચર્ચા કરી ત્યારે મારી માતા અને મારી બહેને કહ્યું કે તેઓ મારી પડખે છે. જો હું કોવિડ દર્દીઓની સેવા કરવામાં ખુશ છું તો તેઓ પણ એવું જ ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...