ભાસ્કર વિશેષ:દુર્ગમ જવ્હાર તાલુકામાં300 ડોઝ ડ્રોન દ્વારા પહોંચાડવાનો પ્રયોગ સફળ રહ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના પ્રથમ પ્રયોગમાં ઝાપ ગામના નાગરિકોને રસી મૂકાઈ

પાલઘર જિલ્લાના અતિદુર્ગમ તાલુકાના ઝાપ ગામમાં રસીના 300 ડોઝ લઈને ડ્રોન પહોંચ્યું હતું. આરોગ્ય વિભાગે કરેલા દેશના આ પ્રથમ પ્રયોગમાં સફળતાપૂર્વત ડ્રોનના ઉડ્ડયનથી ઝાપુ ગામના રહેવાસીઓને રસી મૂકવામાં આવી હતી. આદિવાસી ભાગમાં આ ઝુંબેશ સફળ બનાવવા માટે બ્લૂ ઈન્ફિનિટી અને આઈઆઈએફએલ ફાઉન્ડેશનને મદદનો હાથ લંબાવતા રસીની આ કિટ જવ્હારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સહીસલામત રવાના કરી હતી.

કોરોનાને રોકવામાં રાજ્ય સરકાર ઘણા પ્રયત્ન કરે છે. શહેરી ભાગમાં વધુમાં વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે ગ્રામીણ અને આદિવાસી ભાગમાં રસી પહોંચાડવા આરોગ્ય યંત્રણાના સ્વયંસેવક સખત મહેનત કરી રહ્યા છે. પણ પાલઘર જિલ્લાના દુર્ગમ આદિવાસી ભાગમાં જવ્હાર, મોખાડાના ડુંગરાળ પરિસરમાં આવેલા નાના ગામમાં રસીના ડોઝ ઝડપથી પહોંચાડવા અડચણ ઊભી થઈ રહી છે. એના પર માત કરવા માટે ડ્રોનની મદદ લઈને હવે આ ડોઝ ગામ સુધી પહોંચાડવાની સંકલ્પના રજૂ કરવામાં આવી. એના માટે આરોગ્ય વિભાગે બ્લૂ ઈન્ફિનિટી અને આઈઆઈએફએલ ફાઉન્ડેશનના મદદથી એક એક્શન પ્લાન તૈયાર કર્યો. એ અનુસાર જવ્હારના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતેથી ઝાપ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીના 300 ડોઝ લઈને ડ્રોન પહોંચ્યું હતું.

તેલંગણા અને મહારાષ્ટ્રમાં આ પ્રયોગની પરવાનગી મળી. જોકે તેલંગણામાં કરેલા પ્રયોગમાં ડ્રોનની ક્ષમતા બે કિલો અને પાંચ કિલોમીટરના અંતરની હતી. જવ્હારમાં પાંચથી સાત કિલો વજન અને 25 થી 30 કિલોમીટરના અંતરની ક્ષમતાવાળું ડ્રોન હતું. દેશમાં થયેલો આ પ્રથમ પ્રયોગ સફળ થયો હતો. ઝાપ પહોંચતા જ રસીકરણ કરવામાં આવ્યું હતું એમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર દયાનંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું.

ભવિષ્યમાં અત્યાવશ્યક સેવા માટે ઉપયોગ
પ્રથમ પ્રયોગ સફળ થવાથી ભવિષ્યમાં અત્યાવશ્યક દવાઓ, પ્રત્યારોપણ માટે જરૂરી અવયવ, લોહીની જરૂરિયાત પડશે તો ડ્રોનની મદદ લેવામાં આવશે. આ ડ્રોનની ક્ષમતા 5 કિલો વજન ઉંચકવાની છે અને એક સાથે 25 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ફક્ત 9 મિનિટમાં આ ડ્રોન ઝાપ આરોગ્ય કેન્દ્રના મેદાનમાં ઉતર્યું હતું. પાલઘરના જવ્હાર, મોખાડા જેવા અતિદુર્ગમ ભાગમાં સમયસર સારવાર ન મળવાથી અનેક જણે પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેથી ભવિષ્યમાં ડ્રોન દ્વારા મળનારી સુવિધાને કારણે આરોગ્ય વિભાગ અનેક જણના જીવ બચાવી શકશે એમ સાર્વજનિક આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડોકટર પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...