મહારાષ્ટ્રના યવતમાળ ખાતે મહાગાવ તાલુકાના ફુલસાવંગી ખાતે 24 વર્ષીય શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખ ઈબ્રાહિમે બહુ મહેનતથી હેલિકોપ્ટર બનાવ્યું, પરંતુ ઘરે ટ્રાયલ લેતી વખતે ફેન તૂટી પડ્યો અને દુર્ઘટના સર્જાતાં મુન્નાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આઠમું ધોરણ પાસ અને પતરાનો કારીગર મુન્નાએ બે વર્ષની મહેનતથી હેલિકોપ્ટર બનાવ્યું તેથી ગામવાસીઓ પણ ખુશ હતા. આ હેલિકોપ્ટરનું ટ્રાયલ ચાલતું હતું. મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે તે પરીક્ષણ કરતો હતો. આ સમયે આજુબાજુમાં મુન્નાના મિત્રો પણ હતા. મુન્નાએ હેલિકોપ્ટર શરૂ કર્યું. તે સમયે પંખાએ ગતિ પકડી હતી.
750 એમ્પિયરનું એન્જિન ધરાવતું હેલિકોપ્ટર ઊડશે એવું લાગતું હતું, પરંતુ તે જ સમયે ઘાત થયો હતો. પાછળની બાજુનો પંખો અચાનક તૂટી ગયો અને મુખ્ય પંખા સાથે અથડાયો. મુખ્યપંખો મુન્નાના માથે અથડાતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને બેભાનાવસ્થામાં તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે હોસ્પિટલમાં દાખલ કરવા પર તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
ગામમાં શોકની લાગણી
મુન્નાના પરિવારમાં પિતા, એક ભાઈ, એક બહેન છે. આટલી ઉંમરે યુવાનો નોકરીની શોધમાં અથવા કારકિર્દી ધામધૂમથી શરૂ કરવા અથવા પોતાનો ધંધો કરવા માટે વ્યસ્ત હોય છે. જોકે મુન્નાએ થ્રી ઈડિયટ્સના રેન્ચોની જેમ પોતાનું કાંઈક બનાવવાનાં સપનાં જોયાં હતાં. તે સપનાં સાકાર થયાં હતાં. તેણે હેલિકોપ્ટર બનાવ્યું, પરંતુ તે જ સપનું ઘાત કરશે એવી તેને કલ્પના નહોતી.
મુન્ના પતરાનો કારીગર હતો
મુન્ના પતરાનો કારીગર હોવાથી નાના આકારના કબાટ, કૂલર જેવી વસ્તુઓ બનાવતો. તે ફક્ત આઠમું ભણ્યો છે. એક દિવસ તેને હેલિકોપ્ટર બનાવવાની કલ્પના સૂઝી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં સપનું સાકાર કરવા તેણે હેલિકોપ્ટર બનાવવાનું શરૂ કર્યું. તે માટેના એક- એક છૂટક સ્પેર પાર્ટ તે તૈયાર કરતો હતો. બે વર્ષની અથાક મહેનત પછી તેનું સપનું સાકાર થતું હતું ત્યાં જ આ દુર્ઘટના સર્જાઈ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.