નિર્ણય:ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનું 473 કરોડના ખર્ચે કોંક્રિટીકરણ કરાશે

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન જંકશનથી થાણે-માજીવડા સુધી 23.55 કિલોમીટરનું કામ

ચેમાસામાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ખાડા પડતા નાગરિકોની ટીકાઓ સાંભળવી પડે છે. તેથી આ હાઈવેનું કોંક્રિટીકરણ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે લીધો છે. આ કામની શરૂઆત ટૂંક સમયમાં કરવામાં આવશે અને એના માટે એમએમઆરડીએએ કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરી છે. આ હાઈવે પર બંને તરફ ત્રણ ત્રણ લેનનું કોંક્રિટીકરણ કરવામાં આવશે. એના માટે લગભગ 473 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આ પહેલાં સાર્વજનિક બાંધકામ વિભાગે 2019માં આ રસ્તો એમએમઆરડીએના તાબામાં આપ્યો હતો. એ પહેલાંના 7 વર્ષ રસ્તાના ઉપરના ભાગનું નૂતનીકરણનું કામ કરવામાં આવ્યું નહોતું. તેથી રસ્તા પર ઠેકઠેકાણે ખાડાઓ પડવાનું પ્રમાણ વધ્યું હતું. ફૂટપાથ અને રસ્તાની કોરે આવેલી ગટરની દુર્દશા થઈ હતી.

ગયા વર્ષે ચોમાસામાં આ હાઈવે પર ખાડાઓ જ દેખાતા હતા. તેથી વાહનની સ્પીડ ઓછી થતા ટ્રાફિક જામ થતો હતો. કામ પર સમયસર જવા ઈચ્છતા નાગરિકોની સખત હેરાનગતિ થતી હતી. તેથી પ્રશાસને મોટા પ્રમાણમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાની આ ખરાબ હાલત દૂર થાય અને નાગરિકોનો પ્રવાસ રાહતભર્યો થાય એ માટે એનું કોંક્રિટીકરણ કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે.

ટેંડર દાખલ કરવાની મુદ્દત 20 જૂન સુધી
આ પહેલાં એમએમઆરડીએની બેઠકમાં રસ્તાની બંને તરફ બે બે લેનનું કોંક્રિટીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એમાં ફેરફાર કરીને ત્રણ ત્રણ લેનનું કોંક્રિટીકરણ કરવામાં આવશે. એના માટે 20 જૂન સુધી ટેંડર દાખલ કરી શકાશે. દરમિયાન આગામી મહિને વરસાદ શરૂ થવાનો હોવાથી આ રસ્તાના કોંક્રિટીકરણનું કામ ચોમાસા પછી જ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...