દૈનિક પ્રવાસીઓની સંખ્યા:લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 60 લાખ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 ઓગસ્ટથી અત્યાર સુધી 22 લાખ કરતા વધુ પાસ આપવામાં આવ્યા

લોકલ પ્રવાસ પર પ્રતિબંધ હવે હળવા કરવામાં આવ્યા હોવાથી સોમવાર 18 ઓકટોબરના મધ્ય અને પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા 60 લાખથી વધાર નોંધવામાં આવી હતી. કોરોના પહેલાંના સમયમાં લોકલમાં સરેરાશ 75 થી 80 લાખ પ્રવાસીઓ દરરોજ પ્રવાસ કરતા હતા. એની સરખામણીએ સોમવારની સંખ્યા 80 ટકા પર પહોંચી છે. તેથી આગામી થોડા દિવસમાં લોકલમાં પ્રવાસીઓ સંખ્યા કોરોનાપૂર્વ જેટલા આંકડે પહોંચશે એવો વિશ્વાસ રેલવે અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.

દરમિયાન રસીના બે ડોઝ લેનારા સામાન્ય પ્રવાસીઓને અને 18 વર્ષથી નાના બાળકોને માસિક પાસ આપવામાં આવે છે. 11 ઓગસ્ટથી અત્યાર સુધી 22 લાખ કરતા વધુ પાસ આપવામાં આવ્યાની માહિતી અધિકારીએ આપી હતી. અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને જ લોકલમાં પ્રવાસની છૂટ હતી. એ પછી રસીના બે ડોઝ લેનારા સામાન્ય નાગરિકોને પણ લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી. સામાન્ય પ્રવાસીઓને ફક્ત માસિક પાસ આપવામાં આવે છે.

18 વર્ષથી નાના બાળકોનું રસીકરણ પૂરું થયું છે એમ સમજીને તેમને પણ દશેરાથી લોકલમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. એ સાથે જ મહત્વના મેડિકલ કારણોસર લોકલમાં પ્રવાસ કરવા ઈચ્છતા નાગરિકોને ડોકટરનું સર્ટિફિકેટ દેખાડીને ટિકિટબારી પરથી ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી લોકલમાં સવારે અને સાંજે ગિરદી ધીમે ધીમે વધી રહી છે.

22 લાખ માસિક પાસનું વેચાણ
રસીના બે ડોઝ લેનારા સામાન્ય પ્રવાસીઓને 11 ઓગસ્ટથી અને દશેરાથી 18 વર્ષથી નીચેના નાગરિકોને માસિક આપીને લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 22 લાખ 25 હજાર 611 જણને માસિક પાસ આપવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં કુલ 6 લાખ 82 હજાર 476 અને મધ્ય રેલવેમાં 15 લાખ 43 હજાર 135 માસિક પાસ આપવામાં આવ્યા છે. સોમવાર 18 ઓકટોબરના એક દિવસમાં મધ્ય રેલવેમાં 51 હજાર 949 અને પશ્ચિમ રેલવેમાં 30 હજાર 358 માસિક પાસ આપવામાં આવ્યાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

એપ પર ટિકિટ બંધ
અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને લોકલની દૈનિક ટિકિટ આપવામાં આવે છે. પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી ટિકિટબારી પર ગિરદી થવા માંડી છે. એમાં મોબાઈલ એપ, એટીવીએમ અને જનસાધારણ ટિકિટ સેવા હજી પણ બંધ છે.

અન્ય સમાચારો પણ છે...