પુણેમાં કિડની કૌભાંડમાં હવે પોલીસે આક્રમક રીતે કાર્યવાહી શરૂ કરી છે. આ કિડની કૌભાંડમાં પુણેની અગ્રણી હોસ્પિટલમાંથી એક રૂબી હોલ ક્લિનિકના પ્રમુખ પરવેઝ ગ્રાન્ટ સહિત હોસ્પિટલના 6 ડોકટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જે મહિલાની કિડની કાઢવામાં આવી તેની સામે પણ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં સહભાગી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ, કુલ 15 જણ વિરુદ્ધ પુણે પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધ્યો છે.
કોલ્હાપુરની સારિકા સુતાર નામની મહિલા સાથે છેતરપિંડી કરીને તેની કિડની કાઢી લેવામાં આવી હોવાનો આરોપ છે. એ પછી પોલીસે આ પ્રકરણની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં સારિકાની કિડની માટે 15 લાખ રૂપિયામાં સોદો થયો હતો. તેની કિડની કાઢીને બીજી વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવવાની હતી. એના માટે સારિકાના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા. જોકે સારિકાને નક્કી થયા મુજબ 15 લાખ રૂપિયા આપવાને બદલે ફક્ત 4 લાખ રૂપિયા આપવામાં આવતાં વિવાદ સર્જાયો હતો, જે પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી આ કૌભાંડ બહાર આવ્યું હતું.
આ છેતરપિંડીમાં રુબી હોલ ક્લિનિકની ડોકટર અને વ્યવસ્થાપનના અધિકારીઓ સામેલ હોવાનો પુરાવા મળતાં હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પુણેની જાણીતી રૂબી હોલ ક્લિનિકમાં થોડા દિવસ પહેલાં કિડનીનું રેકેટ ચાલતુ હોવાનું જાહેર થયું હતું.
સારિકાને એની કિડનીના બદલામાં 15 લાખ રૂપિયા ચુકવવાનું નક્કી થયા બાદ એની કિડની કાઢી લેવામાં આવી અને એને ફક્ત 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા. તેથી તેણે પુણેના કોરેગાવ પાર્ક પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ પરથી ક્લિનિકના મેનેજિંગ ટ્રસ્ટી ડો. પરવેઝ ગ્રાન્ટ સહિત 15 જણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને ક્લિનિકનું પ્રત્યારોપણનું લાઈસંસ રદ કર્યું હતું. જોકે પછીથી મુંબઈ હાઈ કોર્ટે આ આદેશ સામે સ્ટે આપ્યો હતો. ઉપરાંત પ્રાદેશિક અવયવ પ્રત્યારોપણ અધિકૃતિ સમિતિની કામગીરી પણ હંગામી ધોરણે નિલંબિત કરાઈ છે.
આરોપીઓ સામે આ ગુના દાખલ
આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી), 465, 468, 471 (સર્વ ફોર્જરી સંબંધી), 120 (બી) (ફોજદારી કાવતરું) અને ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ એક્ટ 1994 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કૌભાંડ કઈ રીતે ચાલતું હતું
આ પ્રકરણમાં કિડની જેને જોઈતી હતી તેની પત્ની તરીકે સારિકાને બતાવવામા આવી હતી. કિડની જેને જોઈતી હોય તે અને તેના નિકટવર્તી સંબંધીઓનું બ્લડ ગ્રુપ મેચ થતું નહીં હોય ત્યારે કિડની મળવાની શક્યતા ઓછી હોવાથી આ રીતે કિડનીદાન કરવા બહારની વ્યક્તિને પૈસા આપીને મનાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.