• Gujarati News
  • Local
  • Mumbai
  • The Court Commuted The Death Sentence Of Three Culprits To Life Imprisonment In The Shakti Mill Gangrape Case

કોર્ટનો નિર્ણય:કોર્ટે શક્તિ મિલ ગેન્ગરેપ કેસમાં ત્રણ નરાધમની ફાંસીને જન્મટીપમાં ફેરવી

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય દોષિતોને ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

બોમ્બે હાઈકોર્ટમાંથી શક્તિ ગેંગ રેપ કેસમાં ત્રણ દોષિતોને મોટી રાહત મળી છે. કોર્ટે ત્રણ દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાનો નિર્ણય આપ્યો છે. ત્રણેય દોષિતોને ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ.એસ. જાધવ અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણની બેન્ચે તેમની સજામાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2014માં મુંબઈ સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓ વિજય જાધવ, કાસિમ બંગાળી અને સલીમ અંસારીને ફાંસીની સજા સંભળાવી હતી.મધ્ય મુંબઈમાં પડતર શક્તિ મિલમાં બે યુવતી પર જુદા જુદા સમયે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે શક્તિ મિલ ગેંગ રેપના 2 કેસ નોંધાયા હતા. પહેલો કેસ મહિલા ફોટો જર્નલિસ્ટ સાથે ગેંગરેપનો હતો. બીજો એક મહિલા ટેલિફોન ઓપરેટર સાથે સામૂહિક દુષ્કર્મનો હતો. બંને કેસમાં 5 દોષિત હતા, જેમાંથી 1 સગીર હતો. બંને કેસમાં ત્રણ દોષિત એકસમાન હતા.

22 ઓગસ્ટ, 2013ના રોજ, મહાલક્ષ્મીના શક્તિ મિલ્સ કમ્પાઉન્ડમાં સાંજે એક મહિલા ફોટો જર્નલિસ્ટ સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ બીજા જ દિવસે એટલે કે 23 ઓગસ્ટના રોજ પ્રથમ આરોપીની ધરપકડ કરવામાં આવી, જે સગીર હતો. 24 ઓગસ્ટના ગેંગરેપમાં બીજા આરોપી વિજય જાધવ અને ત્રીજા આરોપી સિરાઝ રહમાન ઉર્ફે સિર્જુની પણ ધરપકડ કરવામાં આવી હતી. ચોથા આરોપી કાસિમ બંગાળીની 25 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. 25 ઓગસ્ટે પાંચમા અને મુખ્ય કાવતરાખોર મોહમ્મદ સલીમ અન્સારીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બીજો કેસ 3 સપ્ટેમ્બર 2013ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. પીડિતા 19 વર્ષની ટેલિફોન ઓપરેટર હતી. તેણે પોલીસને જણાવ્યું કે 31 જુલાઈના રોજ તેની સાથે પાંચ જણે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું, જેમાં ત્રણ પહેલાથી પકડાયેલા આરોપીઓ પણ સામેલ હતા. 4 સપ્ટેમ્બરે એક ઓળખ પરેડ કરવામાં આવી હતી, જેમાં તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આ પછી 19 સપ્ટેમ્બર, 2013ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લગભગ 600 પેજની ચાર્જશીટ ફાઈલ કરી હતી. 20 માર્ચ, 2014ના રોજ, મુંબઈ સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને ગેંગરેપ માટે દોષિત ઠરાવ્યા હતા. 4 એપ્રિલ, 2014 ના રોજ, ત્રણ બીજી વાર દુષ્કર્મ કરનારા નરાધમોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી જ્યારે બાકીના આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.

ઉજ્જવલ નિકમનાં 10 કારણ
આ કેસનો કેસ લડનારા એડવોકેટ ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે તેમણે આ આરોપીઓને ફાંસી આપવા માટે કોર્ટને 10 કારણો આપ્યાં છે. તેણે કહ્યું કે આ ત્રણમાંથી એક આરોપી અગાઉ પણ એક કેસમાં દોષિત ઠર્યો છે. જોકે બાદમાં તેને કોર્ટે છોડી દીધો હતો, પરંતુ તેમ છતાં તેણે ગેંગરેપ કર્યો હતો. નિકમે કહ્યું હતું કે આ આરોપીઓએ ફોટો જર્નલિસ્ટ પર અકુદરતી રીતે ગેન્ગરેપ કર્યો હતો અને તેની સાથે મારપીટ પણ કરી હતી. આરોપીને શયતાની કૃત્ય ગણાવતાં તેણે કહ્યું કે પીડિતાએ તેમની સામે હાથ પણ જોડી દીધા, પરંતુ આરોપીએ કોઈ દયા ન દાખવી. ઉજ્જવલ નિકમે જણાવ્યું કે ચુકાદા સમયે આરોપીઓની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમની દલીલો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. જોકે નિકમે હાલમાં કોર્ટ દ્વારા આ મામલામાં આરોપીની સજામાં કરેલા ફેરફાર વિશે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર ર્ક્યાં હતો.

8 વર્ષ પહેલા ફાંસીની સજા
શક્તિ મિલ્સ ગેંગ રેપ કેસમાં સંડોવાયેલા ચારમાંથી ત્રણ આરોપીઓને મુંબઈની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી જ્યારે અન્ય એક સગીર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓને બે વાર આચરાયેલા ગુનામાં દોષિત ઠરાવી ફાંસીની સજા ફટકારી હતી. ત્રણેય દોષિતોને કલમ 376E હેઠળ શક્તિ મિલ્સમાં ટેલિફોન ઓપરેટર અને મહિલા ફોટો જર્નલિસ્ટ પર ગેન્ગ રેપ કરવા બદલ દોષી ઠરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પહેલી વાર કલમ 376Eનો ઉપયોગ કરીને મહત્તમ સજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...