તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસ્તાવ:10,000 કરોડના નુકસાનને પહોંચી વળવા પાલિકા શેરબજાર તરફ વળશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાના સંકટને લીધે પરિસ્થિતિ વણસી છે, આ સપ્તાહે નેતાઓની બેઠકમાં આ બાબતે પ્રસ્તાવ મૂકાશે

કોરોનાને કારણે મહાપાલિકાની આવકમાં રૂ. 10,000 કરોડનું નુકસાન થયું છે, જેને કારણે આગામી સમયમાં વિકાસકામો માટે નાણાં ઊભાં કરવાનો મોટો પડકાર તેની સામે આવ્યો છે. આવકના સ્રોત ઓછા થયા હોઈ અંતર્ગત ભંડોળમાંથી બહુ મોટી રકમ ઉપાડી નહીં શકાય. આથી મહાપાલિકાએ હવે મ્યુનિસિપલ બોન્ડ થકી શેરબજારમાંથી નાણાં ઊભાં કરવાની તૈયારી શરૂ કરી છે.

આગામી અઠવાડિયામાં પ્રશાસન તરફથી જૂથ નેતાઓની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી અને એશિયામાં સૌથી મોટી મુંબઈ મહાપાલિકાની આર્થિક સ્થિતિ કોરોનાના સંકટને લીધે પહેલી જ વાર કથળી ગઈ છે. કોરોના પર ઉપાયયોજનાઓ માટે હમણાં સુધી રૂ. 1600 કરોડ ખર્ચ થયા છે. બીજી બાજુ આવકના સ્રોત ઓછા થયા છે.

બાંધકામ ક્ષેત્રને ગતિ આપવા માટે પ્રીમિયમમાં 50 ટકા સવલત આપવામાં આવી છે. હજારો કરોડો રૂપિયાના પ્રોપર્ટી ટેક્સની વસૂલી રખડી પડી છે. મહાપાલિકાને રસ્તા, પાણી, પુલ, ઘનકચરા, મલનિઃસારણ સહિત વિવિધ પ્રકારની મૂળભૂત સુવિધાનાં કામો માટે દર વર્ષે રૂ. 10થી 12,000 કરોડની જરૂર પડે છે. આવતા જીએસટીની વાર્ષિક રૂ. 7-8000 કરોડની ચોક્કસ આવકને છોડતાં અન્ય આવકના વિકલ્પ હાલમાં મહાપાલિકા પાસે નથી.

આવકના સ્ત્રોતો અનિશ્ચિત
દરમિયાન વિવિધ કારણોને લીધે મહાપાલિકા સામે આર્થિક સંકટ છે ત્યારે કોરોના સ્થિતિ થાળે પડ્યા પછી પણ આવક વધારવા માટે કેટલો સમય લાગશે તેની ખાતરી આપી શકાય એમ નથી. આથી વિકાસકામો માટે જોઈતા હજારો કરોડ રૂપિયા શેરબજારમાંથી ઊભા કરવાનો વિચાર મહાપાલિકા કરી રહી હોવાની વાતને મેયર કિશોરી પેડણેકરે સમર્થન આપ્યું હતું. બે દિવસ પૂર્વે આ અંગે મહાપાલિકામા બેઠક યોજાઈ હતી. આગામી અઠવાડિયે જૂથ નેતાઓની બેઠકમાં પ્રશાસન આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે, જેની પર ચર્ચા કરીને નિર્ણય લેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદનો દાખલો લીધો
પુણે, અમદાવાદ, અન્ય અમુક મહાપાલિકાઓએ વિકાસકામો માટે મ્યુનિસિપલ બોન્ડ ઊભા કર્યા છે. તે જ રીતે મુંબઈ મહાપાલિકાએ બોન્ડ ઊભા કરવાનો વિચાર 2014માં તત્કાલીન મહાપાલિકા કમિશનર સીતારામ કુંટેએ પ્રશાસન સામે રજૂ કર્યો હતો. તેની પર પ્રશાસકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તે સમયે મહાપાલિકાની આર્થિક સ્થિતિ સારી હોવાથી પ્રસ્તાવ પછીથી વિચારણામાંથી નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...