તહેવારો શાંતિપૂર્ણ રીતે ઊજવાયા:તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઊજવવા માટે મુંબઈગરાનો કમિશનરે આભાર માન્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામનવમી, આંબેડકર જયંતી, મહાવીર જયંતી, ગૂડ ફ્રાઈડે, હનુમાન જયંતી

છેલ્લા થોડા દિવસમાં એક પછી એક અલગ અલગ તહેવારો આવ્યા હતા અને તેની નાગરિકો દ્વાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી તે બદલ તેમનો આભારી છું, એમ મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ રવિવારે જણાવ્યું હતું. મુંબઈગરા તમારો આભાર. ગયા સપ્તાહમાં બધા તહેવારો શાંતિપૂર્ણ રીતે ઊજવાયા. જૂજ ઘટનાઓ બની, પરંતુ અમને સમયસર જનતાનો ટેકો મળ્યો હતો. આભાર વ્યક્ત કરવા અમે સનડે સ્ટ્રીટ ઉપક્રમને વધુ ભવ્ય બનાવ્યો છે અને તમે તે માણવાનું ચાલુ રાખશો એવી આશા છે, એમ પાંડેએ ટ્વીટ કર્યું છે.

10 એપ્રિલે ભગવાન રામના જન્મદિવસે રામનવમી ઊજવાઈ હતી. 14 એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવીય હતી. 14મી એપ્રિલે જ મહાવીર જયંતીની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પછી 15 અને 16 એપ્રિલે અનુક્રમે ગૂડ ફ્રાયડે અને હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે રવિવારે ઈસ્ટરની ઉજવણી કરાઈ હતી.મુંબઈમાં જૂજ છૂટીછવાઈ ઘટનાઓ સિવાય આ બધા તહેવારો શાંતિપૂર્ણ રીતે ઊજવાયા હતા.

પૂર્વીય પરા માનખુર્દમાં રામનવમીના પર્વ પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા વાહનોની ભાંગફોડ કરવામાં આવી હતી. આ સંબંધે માનખુર્દ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે અને અનેકની ધરપતડ કરી છે.આ જ દિવસે બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદા કરવા માટે માલવણી પોલીસ સ્ટેશનમાં ભાજપના શહેર યુવા પાંખ પ્રમુખ તેજિંદર સિંહ તિવાના સહિતના ભાજપના કાર્યકરો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય શહેરોમાં તણાવ
દેશના અનેક ભાગોમાં ગયા સપ્તાહમાં તહેવારો દરમિયાન અથડામણો અને હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. વાયવ્ય દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતી દરમિયાન સરઘસસ દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી, જ્યારે રવિવારે મધ્ય પ્રદેશના ખારગોન શહેરમાં રામનવમી પર કોમી અથડામણ સર્જાઈ હતી, જ્યાં પથ્થરમારો કરાયો હતો, વાહનોને આગ ચાંપવાં આવી હતી અને અમુક ઘરોને હાનિ પહોંચાડાઈ હતી, જેને લીધે શહેરમા કરફ્યુ લાદવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...