માગ:મુખ્ય મંત્રીએ વાઝે-શર્મા સાથે સંબંધનો ખુલાસો કરીને માફી માગી લેવી જોઈએ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેની માગ

ઉદ્યોગપતિ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સાથેનું વાહન ઊભું કરીને મનસુખ હિરનની હત્યાના ષડયંત્રમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા સામેલ હોવાનો અને તે બદલ સચિન વાઝેએ 45 લાખ રૂપિયાની સોપારી પ્રદીપ શર્માને આપી હોવાનો આરોપ એનઆઈએએ એફિડેવિટમાં કર્યા બાદ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ હવે આ મામલે મૌન રાખ્યા વિના વાઝેનો પક્ષ લઈને મહારાષ્ટ્રનું અપમાન કર્યું તે બદલ માફી માગી જોઈએ, એમ ભાજપના રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ ગુરુવારે જણાવ્યું હતું. આ સમયે ભાજપના પ્રદેશ મહામંત્રી રવિન્દ્ર ચવ્હાણ હાજર હતા.

શ્રી ઉપાદ્યેએ કહ્યું કે, “શું સચિન વાઝે લાદેન છે?” એમ વિધાનસભામાં વાઝેનો બચાવ કરતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. હવે નવા ખુલાસા થયા હોવાથી આ પ્રશ્નનો સીધો જવાબ આપવો જોઈએ. એનઆઇએએ એફિડેવિટમાં આંચકાજનક ખુલાસો કર્યો છે કે સચિન વાઝેએ મનસુખ હિરનની હત્યા માટે ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને આ કાવતરું પોલીસ કમિશનરેટમાં ઘડવામાં આવ્યું હતું. વાઝેની જેમ પ્રદિપ શર્મા પણ શિવસેનામાં હતો. તે શિવસેના વતી ચૂંટણી પણ લડ્યો હતો.

શિવસેનાના ઘણા નેતાઓ સાથે તેના ગાઢ સંબંધો છે. તેથી રાજ્યમાં સત્તાધારી શિવસેના સાથે સંબંધિત પોલીસ અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ગુના વધુ ગંભીર છે. હિરનની હત્યા માટે વાઝેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. એક સામાન્ય પોલીસ અધિકારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? આ બંને પોલીસ અધિકારીઓ કોના ઈશારે ગંભીર કૃત્ય આચરતા હતા તે પણ પ્રકાશમાં આવવું જોઈએ, એવી માગણી ઉપાધ્યેએ કરી હતી.

રાજ્યની પ્રતિષ્ઠા વધી કે તે વિચારો
બાકી દરેક વિષયમાં મહારાષ્ટ્રનું અપમાન શોધનાર અને અન્ય નેતાઓ પર સોપારી લેવાના આરોપ કરનાર શિવસેનાના બકવાસ કરનારા નેતાઓએ શિવસેના સાથે સંબધમાં રહેલા અધિકારીઓ સામે કાર્યવાહીથી પોલીસ વિભાગ અને રાજ્યની પ્રતિષ્ઠા વધી છે કે કેમ તે વિચારવું જોઈએ. આ જ સચિન વાઝેનું સસ્પેન્શન રદ કરી અને તેમને પુનઃ સેવામાં લેવા માટે ઉદ્ધવ ઠાકરેએ તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કર્યો હતો.

આથી આ ગુનેગારો સાથેનાં જોડાણો શંકાસ્પદ છે. હવે મોંમાં મગ ભરીને ચૂપ ન રહેતાં ઠાકરેએ આગળ આવીને મહારાષ્ટ્રની જનતા સમક્ષ તેમની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ અને આવા ગુનાહિત વલણનો ઢાંકપિછોડો કરી મહારાષ્ટ્રનું અપમાન કરવા અને પોલીસ દળની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહન લગાવવા બદલ જાહેરમાં માફી માગવી જોઈએ, એવી પણ તેમણે માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...