તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ભાયખલા ઝૂ ક્ષેત્રને વધુ 10 એકરમાં વિસ્તારાશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 335 પશુ- પક્ષીઓમાં વિદેશી પ્રાણીઓનું આકર્ષણ ઉમેરાશે: 200 કરોડનો ખર્ચ

ભાખલા ઝૂ તરીકે લોકપ્રિય વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાનનો મહાપાલિકા દ્વારા પુનરુદ્ધાર કરવામાં આવશે. આના ભાગરૂપે દુનિયાભરમાંથી વધુ પ્રાણીઓ ઉમેરવામાં આવશે. ત્રીજા તબક્કાની વિસ્તરણ યોજના અનુસાર ઝૂ હાલ 53 એકરનું છે, જે રૂ. 200 કરોડના ખર્ચે વધુ 10 એકરમાં વિસ્તારવામાં આવશે. આ નવી વિસ્તારિત જગ્યામાં નવાં પ્રાણીઓ રાખવામાં આવશે. મહાપાલિકા દ્વારા વિસ્તારિત જગ્યામાં પ્રાણીઓના ત્રણ એન્ક્લોઝર્સ નિર્માણ કરવા રૂ. 95 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

પશુ- પક્ષીઓ માટે વિશિષ્ટ જગ્યા સાથે લેન્ડસ્કેપિંગ, સીસીટીવી કેમેરાની ગોઠવણી, જાહેર સુવિધાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો કરવાની યોજના છે. ત્રણ મહિનામાં કંપનીઓએ બિડ સુપરત કરવાની રહેશે. નિર્માણ શરૂ થયા પછી આશરે બે વર્ષમાં કામ પૂરું કરવાનું રહેશે.

પ્રાણીઓના 17 એન્ક્લોઝર્સ : બીજા તબક્કામાં મોજૂદ 53 એકર જગ્યામાં પ્રાણીઓના 17 એન્ક્લોઝર્સ હશે. 10 એન્ક્લોઝર્સ અને પ્રદર્શન જગ્યા નિર્માણ થઈ ચૂકી છે, જેમાં મુલાકાતીઓ માટે વિશિષ્ટ ભૂજળ વ્યુઈંગ સુવિધા હેઠળ વાઘની જોડી જોવા મળશે.

દીપડો, રીંછ, શિયાળ, સંબાર, ટપકાવાળા હરણ, કાચબા માટે પણ એન્ક્લોઝર્સ હશે. ઉપરાંત ભારતીય શિયાળ, ભસતા હરણ, નીલગાય વગેરે માટે વધારાનાં એન્ક્લોઝર્સ નિર્માણ હેઠળ છે. ગયા વર્ષે લોકડાઉન લાદવામાં આવ્યો તે પૂર્વે બંગાળ ટાઈગરની જોડી, પટાવાળા હાયનાઝ, શિયાળ, દીપડા, રીંછ લાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને હસ્તે 100 પક્ષીઓની જાતિઓને રાખવા માટે નવી જગ્યાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ઝેબ્રા, સફેદ સિંહ, બ્લેક જેગુઆર
ઝૂ 1982માં નિર્માણ કરાયું હતું. આજે તેમાં 335 પશુ- પક્ષીઓ છે. વાંદરા, મગર, હાથી, હરણ, હિપ્પોપોટેમસ, પેન્ગ્વિન અને અન્ય પશુ – પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે. મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે તાજેતરમાં ઝૂનું તબક્કાવાર વિસ્તરણ કરવાની યોજના જાહેર કરી હતી. ત્રીજા તબક્કામાં જિરાફ, ઝેબ્રા, સફેદ સિંહ, બ્લેક જેગુઆર, ચિમ્પાન્ઝી, ઓસ્ટ્રિચ, ચિત્તા વગેરે વિદેશથી લાવવામાં આવશે. વિસ્તારિત 10 એકરમાં તેમને રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...