તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ધારાવીમાં મટકી બનાવનારા કારીગરોનો ધંધો ઠપ થઈ ગયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હલના કોરોનાકાળમાં દહીંહંડીની મનાઈને લઈ અનેક ગોવિંદાં મંડળો પણ બંધ થઈ રહ્યાં છે

મુંબઈમાં દહીહંડીના તહેવારની આખી દુનિયામાં નોંધ લેવાય છે. તેમાંય છેલ્લાં થોડાં વર્ષથી હંડીઓમાં ઈનામી રકમ લાખ્ખો- કરોડોમાં પહોંચી ગઈ છે. આથી હરીફાઈ પણ તીવ્ર બની છે. જોકે કોવિડને લઈને છેલ્લાં બે વર્ષથી દહીહંડી માટે સરકાર દ્વારા મનાઈ કરવાથી ધારાવીમાં મટકી બનાવનારાઓનો ધંધો ઠપ થઈ ગયો છે. આ સાથે અનેક ગોવિંદાં મંડળો પણ બંધ થઈ રહ્યાં છે.દહીંહંડી હવે મેગા ઈવેન્ટના રૂપમાં જોવામાં આવે છે. ઘાટકોપર, થાણે, બીકેસી, દાદર, ગિરગાવ, બોરીવલી, અંધેરીમાં ઈનામી રકમની રીતસર હોડ લાગે છે. આ ઉત્સવનું સ્વરૂપ વધતાં તેમાંથી મોટી બજાર પણ નિર્માણ થઈ છે.

દહીંહંડીની મટકીથી લઈને શો માટે ઊભા કરાતા મડપો સુધી હજારો હાથોને કામ મળે છે. મુંબઈમાં400થી વધુ ગોવિંદાં મંડળો છે. અરે હવે તો મહિલા ગોવિંદાં મંડળોની પણ સંખ્યા વધી રહી છે. આ દરેક મંડળમાં કમસેકમ 100 ગોવિંદાઓનો વિચાર કરવામાં આવે તો 40,000 આસપાસ ગોવિંદાઓ છે. આ દરેક પર દહીહંડીના દિવસે રૂ. 600 આસપાસ ખર્ચ થાય છે. આ સાથે આયોજકોનો ખર્ચ અલગ હોય છે. મુંબઈથી થાણે કમસેકમ રૂ. 10 કરોડથી વધુ રકમ ઈનામમાં લાગે છે. તેમાંય થાણેની દહીહંડી સૌથી પ્રસિદ્ધ છે, જ્યાં નવ પિરામિડ રચીને મટકી ફોડવાનો વિક્રમ નોંધાયેલો છે.

જોકે કોવિડને લઈને છેલ્લાં બે વર્ષથી દહીહંડી માટે સરકાર પરવાનગી આપતી નથી.દહીહંડીમાં પ્રચંડ ગિરદી થતી હોય છે. આવા સંજોગોમાં કોરોના ફેલાવો ભય રહેલો છે. આથી સરકાર પરવાનગી આપવા માગતી નથી. જોકે આને કારણે આ ઉત્સવ પર નભતા અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. ધારાવી કોલીવાડામાં દહીહંડી માટે મટકીઓ બનાવવામાં આવે છે.

જોકે ગયા વર્ષથી તેમનો ધંધો 10થી 15 ટકા પર નીચે આવી ગયો છે. આ પૂર્વે દરેક મંડળો 12-15 મટકીઓ લઈ જતા. જોકે ઘણાં મંડળો હવે બંધ થઈ ગયાં છે. આ દિવસ માટે ધારાવીમાં દરેક મટકી વિક્રેતા 500થી વધુ મટકી વેચતા હતા, જે પ્રમાણ હવે 50-60 પર આવી ગયું છે, એમ ધારાવી કોલીવાડાના ગોવિંદ ચિત્રોડાએ જણાવ્યું હતું.

સંયમ રાખવો જરૂરી છે
આ ઉત્સવના અર્થકારણ પર અસર થશે. જોકે કોવિડનો પણ વિચાર કરવો જોઈએ. જીવનમરણનો પ્રશ્ન છે. આથી સંયમ રાખવો જોઈએ. મુંબઈમાં અનેક દાયકાની પરંપરા ધરાવતો આ ઉત્સવ ક્યારેય બંધ થઈ નહીં શકે, મંડળો, યુવાનો આ ઉત્સવને બંધ થવા નહીં દે. આ સમય નીકળી જાય પછી વધુ જોશ સાથે ઉત્સવ ઊજવવામાં આવશે, એમ ગોવિંદા સમન્વ સમિતિના કાર્યાધ્યક્ષ અરુણ પાટીલે જણાવ્યું હતું.મુંબઈમાં અનેક મંડળો 50 વર્ષથી વધુ જૂનાં છે. ઈનામી રકમમાંથી વિવિધ સામાજિક કાર્યો મંડળો કરતાં. જોકે હવે ઉત્સવ જ નહીં હોવાથી આવાં કામો પર પણ મર્યાદા આવી છે, એમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...